Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ખાંભાના ડેડાણમાં ફઈના દિકરાએ મામાના દિકરાની હત્યા કરીઃ ચિતલની કિશોરીએ પિતાએ ઠપકો દેતા આપઘાત કર્યો

અમરેલી, તા. ૪ :. ખાંભા તાલુકાના ડેડાણમાં જૂના મનદુઃખના કારણે ફઈના દિકરા મુકેશભાઈ ઉર્ફે મુન્નો કાળુભાઈ બાંભણીયાને માથામાં કુહાડી મારી જીવલેણ ઈજા મામાનાં દિકરા જયંતીએ કરેલ.

જેથી સારવાર દરમિયાન અમદાવાદમાં તેમનું મોત નિપજતા બનાવની ફરીયાદ કરતા પોલીસે ખૂનનો ગુનો નોંધી મામાના દિકરા જયંતીભાઈ રાજાભાઈ ભાલીયાને તપાસનીસ અધિકારી પીએસઆઈ વાય.પી. ગોહિલે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.  ચીતલ ગામે રહેતી ઉર્વીશાબેન નીતિનભાઈ ગોહીલ (ઉ.વ. ૧૬)ને તેના પિતાએ ઘરકામ પ્રશ્ને ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા મોત નિપજ્યાનું પિતા નીતિનભાઈ ગોહીલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જેલના દરવાજાનો વિડીયો જસદણના આરોપીએ ઉતાર્યો

અમરેલી જિલ્લા જેલમાં બાબરા પોલીસ સ્ટેશનના મહિલાના છેડતીના કેસમાં રહેલ જસદણના મેહુલ લાલજીભાઈ પારખીયાએ જનતામાં ધાક અને રોફ જમાવવા બાબરા પોલીસ સ્ટેશનના ગુન્હાના સાહેદો ઉપર પ્રભાવ પાડવા પોતે જેલમુકત થઈ ગયેલ છે તેવુ દર્શાવવાના મલીન ઈરાદે જેલમાં છુટી જેલના સત્તાધિકારીની મંજુરી વગર જેલનો દરવાજો દેખાઈ તે રીતે વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં અપલોડ કરતા જીલ્લા જેલના સહાયક ભાવિનકુમાર ઢોકળીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ખોડીયાર મંદિરમાં ચોરી

કમીગઢ ગામે આવેલા ખોડીયાર મંદિર આશ્રમે કોઈ તસ્કરોએ ખોડીયાર માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલ સોનાની ટીલડી ચાંદલો ૧ રૂ. ૯ હજાર, કાનની બુટી રૂ. ૯ હજાર, ચાંદીના છડા એક જોડ રૂ. ૧૨૦૦ તેમજ ધાતુના રજવાડી ઘાટના ખોટા હાર ત્રણ રૂ. ૧૫૦૦ મળી કુલ રૂ. ૨૦,૭૦૦ની ચોરી કરી લઈ ગયાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઘર પાસે ચાલવાની ના કહેતા

ડેડકડી ગામે રહેતા આંબાભાઈ ગોપાલભાઈ દિયોરા (ઉ.વ. ૬૫) પોતાની વાડીએથી ખેતીકામ કરીને સાંજે ઘરે જતા હતા ત્યારે તેના કુટુંબી બાબુ ગોપાલભાઈ અને જયસુખ બાબુભાઈ દિયોરાએ ઘર પાસે ચાલવાની ના પાડી ગાળો બોલી માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લગ્ન પ્રશ્ને બોલાચાલી થતા

સાવરકુંડલામાં રહેતી ગુલાબબેન મધુભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦)ના દિયરની દિકરીના લગ્નની વાતચીત પ્રશ્ને બોલાચાલી થયેલ. જેનુ મનદુઃખ રાખી દેવા રૂડાભાઈ, માસા રૂડાભાઈ, વિજય રૂડાભાઈ પરમારે ગાળો બોલી લાકડી વડે માર મારી પગમાં ફ્રેકચર કર્યાની ફરીયાદ નોંધાવી છે.

બર્બટાણા ગામે જુગાર

રાજુલા તાલુકાના બર્બટાણા ગામે જાહેરમાં જુગાર રમતા ભોળા નાથાભાઈ હડીયા, પરેશ ભૂપતભાઈ લાડુમોર સહિતે ચાર શખ્સોને લોકરક્ષક પંકજભાઈ બગડાએ રોકડ રૂ. ૬૯૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(12:39 pm IST)