Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ભાવનગર ના સિંચાઇ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો ઇજનેરી એવોર્ડ જીત્યો

ભાવનગર તા.૪: જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે એમ. વિશ્વૈશ્વરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ખ્યાતનામ ઇજનેર   એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશમાં ઈજનેરી કૌશલ્ય દાખવી અને ઇજનેરી ક્ષેત્રે રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

શ્રી પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યકિત કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

શ્રી પટેલ દ્વારા ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી રહેલ છે. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ  ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

ડી.આર.પટેલ અત્યારે ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવી રહેલ છે.

પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

વર્ષ-૨૦૧૯માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારના કામોને ટેકનિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-૨૦૨૦માં ભાવનગરમાં કોરોના વોરીયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

(12:51 pm IST)