Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

બેંકની બેદરકારી માટે વિમા કંપનીની જવાબદારી ઠરાવી શકાય નહિઃ અમરેલી ગ્રાહક ફોરમનો મહત્વનો ચુકાદો

પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના અન્વયે છ ખેડૂતોની ફરીયાદને કમિશને ફગાવી દીધી

રાજકોટ, તા. ૪ :. બેંકની બેદરકારી માટે વિમા કંપની જવાબદાર નથી તેમ ઠરાવીને યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ. કાું.લી.ની તરફેણમાં ગ્રાહક સુરક્ષા કમિશન અમરેલીએ મહત્વનો ચુકાદો આપેલ હતો અને વિમા કંપનીની તરફેણમાં કુલ ૬ ફરીયાદો નામંજુર કરતો હુકમ કરેલ હતો.

અમરેલી જિલ્લાના ભરત ભગવાનભાઈ, છગન પાંચાભાઈ, જોધાભાઈ રત્નાભાઈ, છગન પીઠાભાઈ, નારણ લાખાભાઈ સહિત કુલ ૬ ફરીયાદીઓએ ૨૦૧૭-૧૮માં પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના નીચે બેંક ઓફ બરોડા પાસેથી પોતાના પાકના વિમા માટે ધીરાણ લીધેલું અને પાકની નુકશાની જાય તો વળતર ચુકવવા માટે પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના નીચે બેંકને પ્રીમીયમ ભરી આપેલ હતું.

૨૦૧૭-૧૮માં ફરીયાદીના ખેતરમાં અતિવૃષ્ટિને લીધે પાકનું નુકશાન જતા દરેક ફરીયાદીએ પોતે પાકનો વિમો લીધેલ હોય, વિમા કંપની પાસે પોતાનો કલેઈમ રજીસ્ટર કરાવી વળતરની માંગણી કરેલ હતી પરંતુ વિમા કંપનીએ સદરહું પાકના નુકશાન બદલ વળતર ચુકવવાનો સ્પષ્ટ ઈન્કાર કરેલો. આથી તમામ ફરીયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમરેલી સમક્ષ મોટી રકમની ફરીયાદો દાખલ કરેલ હતી અને વળતરની માંગણી કરેલ હતી.

યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ. કાું.લી.  વતી સીનીયર ધારાશાસ્ત્રી પી.આર. દેસાઈએ દલીલ કરેલ હતી કે ખેડૂત પોર્ટલની સરકારની સાઈટ ઉપર, બેંક ઓફ બરોડાએ કોઈ પ્રીમીયમ ભરેલ નથી અને ઓનલાઈન ફોર્મ પણ કટઓફ ડેઈટ પહેલા ભરેલ નથી. બેંકે ફરીયાદનું પ્રીમીયમ કાપી લીધા બાદ, જરૂરી દસ્તાવેજો સાથે અને પત્રકો સાથે વિમા કંપની સમક્ષ ફોર્મ ભરવામા નિષ્ફળ જાય તો પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની જોગવાઈઓ મુજબ નોડલ બેંક જવાબદાર છે અને વિમા કંપની કોઈ વળતર ચુકવવા જવાબદાર નથી.

ગ્રાહક કમીશન, અમરેલીએ સ્પષ્ટ ઠરાવેલ છે કે હાલના કિસ્સામાં બેંકની સંપૂર્ણ બેદરકારી છે અને વિમા પ્રીમીયમ ભરવામાં આવેલ ન હોય વિમા કંપનીની સામે કોઈ હુકમ થઈ શકે નહીં અને વિમા કંપનીની કોઈ જ જવાબદારી વળતર ચુકવવાની ન હોવાનું ઠરાવવામાં આવે છે. આ કામમાં યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુ. કાંુ.લી. વતી સીનીયર એડવોકેટ પી.આર. દેસાઈ, સુનીલભાઈ વાઢેર અને સંજય નાયક રોકાયેલ હતા.

(11:23 am IST)