Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

૯૫૦ નગરોમાં કાળીચૌદશની ગેરમાન્યતાઓના ખંડન સાથે જનજાગૃતિ કાર્યક્રમો

વિજ્ઞાન જાથાના માર્ગદર્શન તળે ગામો ગામ સ્વયંભુ કાર્યક્રમો : સ્મશાનોમાં વડા આરોગાયા : ભૂતપ્રેતના સરઘસ : મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ

રાજકોટ તા. ૪ : ભારત જન વિજ્ઞાન જાથાની અપીલ ધ્યાને લઇ રાજયના ૯૫૦ નગરોમાં કાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન સાથે જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા હતા.

લોકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભિગમ દાખવી અંધશ્રધ્ધાને જાકારો આપ્યો હતો. સ્વયંભુ આવેલ લોકજાગૃતિ સાથે સ્મશાનોમાં ખાટલે બેસી કકકડાટના વડા-ભજીયા આરોગાયા હતા. ભુતપ્રેતના સરઘસ કાઢી મેલી વિદ્યાની નનામીને અગ્નિદાહ આપવા સહીતના જનજાગૃતિ કાર્યક્રમો થયા હતા.

જસદણ ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ સ્વામિ વિવેકાનંદ મુકિતધામ ખાતે હાથ ધરાયો હતો. મોક્ષધામ ટ્રસ્ટના  જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઇ સામાણી, અશોકભાઇ ટાંક, વિનુભાઇ લોદરીયા, અરવિંદ પટેલ, પ્રકાશ પ્રજાપતિ એડવોકેટ, ચેતન સવાણી, સનાળીના રાજેશભાઇ ફતેપરા, બાબરાના પી. એલ. મારૂના માર્ગદર્શન હેઠળ યુવાનોએ રાજમાર્ગો પર ભૂત પ્રેતનું સરઘસ કાઢેલ. મશાલ સરઘસ અને મેલીવિદ્યાની નનામી કાઢવાના કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. સંચાલન જે. ડી. ઢોલરીયા અને ધીરૂભાઇ સામાણીએ સંભાળ્યુ હતુ.

જાથાના રાજય ચેરમનેન એડવોકેટ જયંત પંડયાએ સ્મશાનમાં જનમેદનીને સંબોધતા જણાવેલ કે અજ્ઞાનતામાંથી ભય ડર, શંકા કુશંકા ઉદ્દભવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નર્કની કલ્પના કરવી અર્થહીન છે. અતૃપ્ત આત્માઓ સંધ્યા સમયે વિહાર કરેે છે, મૃત્ય પછી તેમની પાછળ કર્મકાંડ ક્રિયાકાંડ બધુ બોગસ વાતો છે. જેનો લેભાગુઓ લાભ ઉઠાવી ભોળા લોકોને ભોળવી જાય છે. અંધશ્રધ્ધાથી દુર રહી વિજ્ઞાનનો દ્રષ્ટીકોણ અપનાવવા શ્રી પંડયાએ અપીલ કરી હતી.

જાથાની રાજયમાં આવેલ બે મુખ્ય પ્રાદેશિક શાખા અને ૧૪ પેટા શાખાઓ મળી રાજયના ૯૫૦ નગરોમાં કાળી ચૌદશે આ રીતે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. લોકોએ સ્વયંભુ ઉત્સાહ દાખવ્યો હતો. સમગ્ર કાર્યક્રમોનું સંચાલન એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ, ચેતન સવાણી, ઉમેશ રાવે કર્યુ હતુ.

ભકિત રાજગોર, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, જામભા અને વિક્રમસિંહ ચૌહાણ વગેરે સહયોગમાં રહ્યા હતા. તેમ વિજ્ઞાન જાથાની કચેરી (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની એક યાદીમાં જણાવાયુ છે.

(11:19 am IST)