Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ધોરાજીમાં શનિવારે મુફતી-એ-સૌરાષ્‍ટ્રનો ઉર્ષઃ ઉલેમાઓના કાફલાની થશે પધરામણી

ધોરાજી તા. ૪ :.. અહીં તા. ૬ ને શનિવારે ખલીફા મસ્‍જીદની પાસે બહારપુરામાં  રાત્રે ૯-૩૦ વાગ્‍યે જશ્‍ને ગૌષે આ'ઝમ તથા ઉર્ષે મુફતી-એ-સૌરાષ્‍ટ્રના નામે વાઅઝનો ભવ્‍ય જલ્‍સો યોજાયો છે.
હઝૂર મુફતી-એ-સૌરાષ્‍ટ્રના ઉર્ષ પ્રસંગે આ બીજો જલ્‍સો યોજાયો છે અગાઉ બે વર્ષ પહેલા આ ઉર્ષનો જલ્‍સો રાજકોટ ખાતે યોજાયો હતો.
સૌરાષ્‍ટ્રમાં એક સમયે પોતાની અનેરી સુવાસ ધરાવતા અને માત્રને માત્ર આજ દી‘ સુધી ‘મુફતી-એ-સૌરાષ્‍ટ્ર' તરીકે ઓળખાઇ રહેલા ખલીફ-એ-હુઝૂર મુફતી-એ-આ'ઝમ હિન્‍દ, સુફીએ બાસફા હઝરત મૌલાના મુફતી અહમદમીંયા સાહેબ રઝવી ધોરાજવી (રહે.) સને ૧૯૯૪ માં રબીઉલ આખર માસની પ્રથમ તારીખે વફાત પામેલા.
આ જલ્‍સો મુફતી-એ-સૌરાષ્‍ટ્રના નાના સુપુત્ર હઝરત મૌલાના ગુલામ મુહંમદ રઝવી  (ધોરાજી)ની દેખરેખમાં  ત્‍થા સૈયદ આલેમુસ્‍તુફા, દાદાબાપુ (જાફરાબાદ) ના પ્રમુખ સ્‍થાને યોજાયો છે.
આ જલ્‍સાનું સંચાલન સૈયદ સિકંદરબાપુ રઝવી (રાજકોટ)ે કરશે જયારે મૌલાના સૈયદ સલીમબાપુ નાનીવાલા (બેડી) વાઅઝ કરશે. આ જલ્‍સામાં મૌલાના ગુલઝારબાપુ (જુનાગઢ), મૌલાના ઉસ્‍માન ગનીબાપુ (ધ્રોલ), હાફિઝ આદમાસાહેબ (ધ્રોલ) મૌલાના અબ્‍દુલ્લાહ સાહેબ (પોરબંદર) મૌલાના આદમ સાહેબ હશમતી (મોરબી), અલ્લામા અબ્‍દુસ્‍સતાર હામદાની (પોરબંદર) ઉપરાંત મુફતી-એ-સૌરાષ્‍ટ્રના શિષ્‍યો, ઉલેમાઓ, સાદાતો વિગેરે સૌરાષ્‍ટ્રભરમાંથી હાજરી આપનાર છે.
ર૭ વર્ષ પહેલા વિદાય લેનારા મુફતી-એ-સૌરાષ્‍ટ્રની વિશેષતા એ છે કે ઘણા સમય પહેલા સૌરાષ્‍ટ્રમાં ‘દારૂલ ઉલૂમ મીસ્‍કી નીયાહ' એ એક માત્ર વિદ્યાપીઠ કાઠીયાવાડમાં હતી તેમાં જ તેઓએ હકીમુલ ઉમ્‍મત હઝરત મૌલાના મુફતી અહેમદ યારખાન સાહેબ નઇમી (રહે.) પાસેથી તાલીમ મેળવી ઉર્તિણ થયા હતા અને તે પછી મઝહરે આ'લા-હઝરત શેરબેશએ સુન્‍નત હઝરત મૌલાના મુહમ્‍મદ હશમત અલીખાન સાહેબ પીલીભીતી (રહે) આ દારૂલ ઉલુમમાં પધારતા તેઓની પાસેથી પણ શિક્ષણ મેળવ્‍યું હતું અને એક સમયે મુફતી-એ-સૌરાષ્‍ટ્ર ખુદ આ દારૂલઉલૂમના પ્રીન્‍સીપાલ બની સેવા આપતા રહ્યા હતાં.  એ અરસામાં તેઓએ અનેક શિષ્‍યો સુન્ની જગતને આપ્‍યા જેઓ આજે પણ સૌરાષ્‍ટ્રમાં ઝળહળી રહ્યા છે.
તેઓની યાદમાં બીજીવાર આ ઉર્ષનો જલ્‍સો યોજાયો હોય આ જલ્‍સામાં સુન્ની બીરાદરોને મોટી સંખ્‍યામાં હાજરી આપવા મૌલાના ઉસ્‍માનગની રઝવી (ઉપલેટા) એ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

 

(10:23 am IST)