Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ફકત દિવ્ય આભુષણો જ છે તેવી કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા

ગુરૂવારથી પરંપરાગત ઉર્ષનો પ્રારંભ

જુનાગઢ તા ૪ :  ગિરનાર પર્વતની ગિરીમાળાઓના સાનિધ્યમાં ઉપલા દાતારનું શિખર આવેલ છે.જયાં આવતીકાલથી દાતાર બાપુના ઉર્ષ અર્થાત મેળો શરૂ થનાર છે, જે ચાર દિવસ ચાલશે. હિન્દુ અને મુસ્લિમ બંન્ને તેમા માને છે તેવી કોમી એકતાના પ્રતીક સમી આ જગ્યા સમુદ્રની સપાટીથી ૨૭૭૯ ફૂટની ઉંચાઇએ આવેલી છે, અને ત્યાં ૨૫૩૪ પગથીયા ચડીને જઇ શકાય છે.

અહી નથી મંદિર કે મસ્જીદ એક સાંકડી ગુફા છે જયાં દાતાર બાપુએ સાધના કરી હતી. કથાનુસાર યુગો પહેલા, ગિરનારના સિધ્ધોએ દાતારબાપુને નીલમ, પોંખરાજ, પવન પાવડી ટેકણઘોડી વિ. અભુષણો આપેલ. તેને ગુફામાં રખાયા છે. શ્રધ્ધાળુઓ તેની પૂજા ઇબારત કરે છે અને ધન્યતા અનુભવે છે.

પ્રથમ દિવસે રાત્રે ગુફામાંથી પવિત્ર આભુષણોને બહાર કાઢી તેની સંદલ અર્થાત ચંદનવિધી કરાશે. ગંગાજલ, ગાયનું દુધ, પંચામૃત, કેસર, મિશ્રીત ચંદનથી તેની વિધીવત પુજા થશે તેમજ આખીરાત ભાવિકોના દર્શનાર્થે રખાશે. તે માટે લોકોની લાંબી લાઇનો લાગે છે. વહેલી સવારે આભુષણોને સન્માનપુર્વક પુનઃ ગુફામાં પધરાવાશે. વર્ષમાં એકજ વારશ આભુષણો આ રીતે બહાર કાઢવામાં આવે છે તે માટે જગ્યાના મહંત સિવાય કોઇને જવા દેવાતા નથી.

બીજો આખો દિવસ આરામનો હોય છે. રાતે મહેંદી અર્થાત દીપમાળા કરાય છે. આ સમયે શિખર ઉપર અસંખ્ય દીવાઓ પ્રગટાવાય છે. જગ્યાની બધી લાઇટો બંધ કરી દેવાય છે, ત્યાં આકાશમાંથી તારાઓ જમીન ઉપર ઉતરી  આવ્યાની ઝાંખી થાય છે. ત્રીજા દિવસે લોબાન ધુપ આરતી થાય છે. આ પછી મહાપ્રસાદ સાથે ઉર્ષનું સમાપન થાય છે.

ઉપલા દાતારની જગ્યાના મહંત તરીકે શ્રી ભીમબાપુ કાર્યભાર સંભાળે છે તેમના ગુરૂ તરીકે શ્રી પટેલ બાપુના ઉતરાધીકારી તરીકે તેઓ ૨૦૧૯ થી છે. વિઠલબાપુના ઉતરાધીકારી તરીકે ભીમબાપુની વરણી થઇ છે. આ ત્રણેય મહંતોની નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે ઉપર આવ્યા પછી તેઓ કદી નીચે ઉતર્યા જ નથી. આવી અદભુત આસન સિધ્ધિમાં  તેઓમાં ચરિતાર્થ થયેલી છે.

દેવભૂમિ દાતારની જગ્યાનો ઉર્ષ અર્થાત પરંપરાથી મેળાને સફળ બનાવવા અને તેમાં આવનારા અસંખ્ય ભાવિકોની આગતા સ્વાગતા અને સુવિધા માટે મહંત શ્રી ભીમબાપુની દેખરેખ હેઠળ દાતાર ભકતો પરિશ્રમ ઉઠાવી રહયા છે. મુસ્લીમ બીરાદરો આ પ્રસંગને ઉર્ષ તરીકે અને હિંદુઓ પાટોત્સવ તરીકે ઓળખાવે છે.

(1:19 pm IST)