Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શાસ્ત્રો-પુરાણો-મહાપુરૂષો આપે છે નવી ઉર્જાઃ વિજયભાઇ રૂપાણી

પૂ.દયાનંદગીરીજી બાપુ ચરાડવા વિસ્તારમાં વર્ષોથી સત્કાર્યો કરે છે, તેમની સાધના-આર્શિવાદથી સુખ-સમૃધ્ધિ પ્રાપ્ત થયાઃ રૂપાણીઃ શ્રી મહાકાળી આશ્રમે આયોજીત ધર્મોત્સવમાં શ્રીમતી અંજલીબેન રૂપાણી,શ્રી કિરીટભાઇ ગણાત્રા, મોહનભાઇ કુંડારીયા, નિતીનભાઇ ભારદ્વાજ સહિતની ઉપસ્થિતીઃ આજે સાંજે ધર્મોત્સવ વિરામ લેશેઃ જામખંભાળીયાનાં આંબાવાડી અને ક્રિષ્ના કલાવૃંદની બહેનો દ્વારા ૫૧ બેડાનો રાસ-૫૦૧ દિવડાની આરતી સાથેનો રાસ રજ

ચરાડવામાં આયોજીત ધર્મોત્સવમાં વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીનું અદ્કેરૂ સ્વાગતઃ જામનગરઃ ચરાડવા ખાતે પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં શ્રી મહાકાળી માતાજી આશ્રમે આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અને રૂદ્રયાગ યજ્ઞના દર્શનાર્થે ગઈકાલે વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરની પ્રથમ તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, પૂ. દયાનંદગીરીજી મહારાજ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ધાર્મિક બાબતોની ચર્ચા કરતા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ પૂ. દયાનંદગીરીજી મહારાજના આશિર્વાદ લીધા હતા અને કથાકાર પૂ. કશ્યપભાઈ જોશીનું સન્માન કર્યુ હતું. નીચેની તસ્વીરોમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી, અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાનું સન્માન કરતા પૂ. અમરગીરીબાપુ તથા આયોજકો નજરે પડે છે (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

મોરબી તા.૪: હળવદ તાલુકાના ચરાડવા પાસે દેવળીયા રોડ પર આવેલ શ્રી મહાકાળી આશ્રમે આયોજન શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ,રૂદ્રયાગ મહોત્સવના સાતમા દિવસે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન આસ્થાભેર ખાસ હાજરી આપી હતી.

આ ભજન,ભોજન અને ભકિતના ત્રીવેણીરાગમમાં આવી પહોચી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ શ્રીમતી અંજલીબેન સીધા પૂ.દયાનંદગીરીજી મહારાજના દર્શને પહોચ્યા હતા અને ત્યાં બાપુના આર્શીવાદ મેળવી પૂ.દયાનંદગીરીજી મહારાજના દર્શને પહોચ્યા હતા અને ત્યાં બાપુના આર્શીવાદ મેળવી પૂ.દયાનંદગીરીજી મહારાજ સાથે કથા મંડપમાં પહોચ્યા હતા.

પૂ. દયાનંદગીરીજી મહારાજ તથા તેમના શિષ્ય અમરગીરીબાપુ, પૂ.બાપુના આત્મીય સેવક અને અતિનિકટવર્તી એવા ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, મુખ્યમંત્રી, તેમના પત્ની, સાંસદ મોહનભાઇ કુંડારીયા,   ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નિતિનભાઇ ભારદ્વાજ,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખ, જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ કથા મંડપમાં પ્રવેશતાજ હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગંુજી ઉઠયું હતું.

આ તકે જામખંભાળીયાના આંબાવાડી અને ક્રિષ્ના કલાવૃંદની બહેનો દ્વારા ૫૧ બેડાના રાસ સાથે ૫૦૧ દિવડાની આરતી સાથેનો રાસ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પૂ.દયાનંદગીરીજી મહારાજ દ્વારા પૂ.અમરગીરીબાપુના હસ્તે મુખ્યમંત્રી અને અંજલીબેનને ખેસ પહેરાવવા સાથે માતામહાકાળીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અન્ય આગેવાનોના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ તકે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સતત માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ દેશની ભૂમિ એ દેવોની સંતોનીભૂમિ છે આપણા શાસ્ત્રો પુરાણોની કથાઓ અને તેમાં સમાવિષ્ટજ્ઞાનનીગંગા, આપણને જીવન જીવવા નવી ચેતના,ઉર્ઝા અને સારા કાર્યો કરવા માટેની પ્રેરણા પુરી પાડે છે. અને તેના દ્વારાજ જીવનમાં મળી ઉર્જાનો સંચાર થતો રહે છે આપણા ઇતીહાસનો ભવ્ય વારસો, વેદપુરાણો, ગીતા અને મહાપુરૂષના જીવનચરિત્રો આપણા જીવનને સ્વસ્થ બનાવી નિરાશા દુર કરે છે.

પૂ.દયાનંદગીરીજી મહારાજ વિશે તેમણે જણાવ્યું હતું કે પૂ.બાપુ ઘણા વર્ષોથી આ ચરાડવા વિસ્તારમાં પોતાની સાધના સાથે અનેક સારા કાર્યો કરી રહ્યા છે. તેમની સાધના અને આર્શીવાદથી આ વિસ્તારને  સુખ-સમૃધ્ધી પ્રાપ્ત થયા છે.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, શાસ્ત્રો, પુરાણોની કથા અને જ્ઞાન તથા મહાપુરૂષોના આર્શિવાદ આપણને નવી ઉર્જા આપે છે. અને જીવન જીવવાની નવી ચેતના અને સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. ઇતિહાસ, પુરાણો, ગીતા અને મહાપુરૂષો આપણા જીવનને સ્વસ્થ બનાવીને નિરાશા દુર કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાય, ગંગા, ગીતા અને ગાયત્રીની ઉપાસના દ્વારા આપણે ભારતને દિવ્ય બનાવવા જઇ રહ્યા છીએ ભારતમાતા જગતજનની અને સાર્મ્થય શાળી બને તે માટે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને લઇને આગળ વધી રહ્યા છીએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે અવિરત પુરૂષાર્થ કરી રહ્યા છે. ગુજરાત પાણીદાર બને અને નવી પેઢી માટે દુષ્કાળ ભુતકાળ બની જાય તે દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની મહત્વાકાંક્ષી સૌની યોજનાનું કામ અંતિમ તબકકામાં છે. ૧૧પ ડેમોમાં નર્મદાના નીર લહેરાતા હોય તે દિવસ હવે દુર નથી.

ગુજરાત રાજય રોલ મોડલ અને ગ્રોથ એન્જીન બને, વ્યસન મુકત, શિક્ષિત અને દિક્ષિત બને અને ભવ્ય ગુજરાત દ્વારા ભારતના વિકાસને આગળ વધારવા આપણે કટીબધ્ધ બનીએ નવા વર્ષમાં સારા કામો કરવા શકિત અને સાર્મથ્ય પ્રાપ્ત થાય અને ગુજરાતની ઉન્નતિ માટે સહુ સાથે મળી કામ કરવા આહવાન કર્યુ હતું.

આ તકે મોરબી જીલ્લા કલેકટર જે. બી. પટેલ, એસ. પી. ડો. કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતનભાઇ પી. જોશી, પ્રાંત અધિકારી ગંગાસિંહ, મામલતદાર વી. કે. સોલંકી, જીલ્લાના વરિષ્ટ અધિકરીઓ, પોલીસની તમામ ટૂકડીઓ, સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતી રહ્યા હતાં. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

આજે કથા શ્રવણના આઠમા દિવસે અવિરત વહેતા કથા સાગરના પ્રવાહમાં 'શિવ તત્વ રહસ્ય' વિશે પ્રકાશ પાડવામાં આવશે.

મરીને તો બધા દેવ કહેવાય, જીવતા દૈવત્વ પ્રાપ્ત કરી જાણે તેનું જીવન સાર્થક ગણાયઃ પૂ. કશ્યપભાઇ જોશી

મોરબી તા. ૪ :.. શ્રી મહાકાળી આશ્રમ ખાતે ચાલતી શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞને આગળ ધપાવતા કથાના સાતમા દિવસે વ્યાસને બીરાજી કથાનુ સચોટ અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવી ભાવિકોને ભકિતના સાગરમાં ડુબવાની અંનેરી પ્રતિતિ કરાવતા પૂ. કશ્યપભાઇ જોશીએ બાર જયોર્તિલિંગનો મહિમા વર્ણાવ્યો હતો.

અને મહાદેવ અતિ ભોળીયા દેવ હોવાનું જણાવી ઉમેયું હતું કે માત્ર બિલિપત્ર અને જળના એક લોટાથી પ્રસન્ન થાય તે મહાદેવ જ હોય...! મરીને તો બધા દેવ થાય જ ' શું બાપુજી દેવ થઇ ગયા? 'આવનારા પુછે એટલે મરીને તો બધા દેવ થાય પણ જીવતા દૈવત્વ પ્રાપ્ત કરી તો જ જીવન સાર્થક થયુ ગણાય. જે શિવજીને બે હાથે જળનો લોટો ચડાવાય અને તે પ્રસન્ન થાય તે બન્ને હાથો પણ શણગાર સત્કર્મનો છે. આ તકે હજારો હાથવાળાની વાત નહીં કરતા તેમણે જણાવ્યું હતું કે આજે આ મહોત્સવના આયોજક પૂ. દયાનંદગીરી મહારાજ છે તેમને પણ ભગવાને બે જ હાથ આપ્યા છે અને તે બે હાથ પણ ઉંચા નથી કરી શકતા છતા આ સમાજ માટે આવા કેટકેટલા ભગીરથ ધર્મકાર્યો કરી રહ્યા છે.  ખરા અર્થમાં તે જીવન સાર્થક કરી રહ્યા છે.  આ તકે તેમણે 'નાજીર દૈખૈયા' ની માનવ જીવન માટે પ્રેરણારૂપી જગતોના અર્થઘટન કરી માનવીને ખરા અર્થમાં માનવતા ઉજાગર કરવા સંદેશ આપ્યો હતો.

શુક્રાચાર્ય અને ભગવાન વચ્ચેનો સંવાદ રજુ કરવા સાથે તેમણે જણાવ્યું હતું કે, ભગવાનને પ્રસન્ન કરવા ચિંતની શુધ્ધી જરૂરી છે.

 ચિતને શુધ્ધ કરો.  શુધ્ધ ચિત ભગવાનને અર્પણ કરી દો, કોઇ મંત્ર કોઇ શ્લોક જરૂરી નથી.

ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ન્યાય મળશેઃ વિજયભાઇ રૂપાણી

મોરબી તા. ૪ :.. શ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

માવઠા અને વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન થયેલ છે તેઓને પાકવીમા યોજના સંદર્ભમાં, તેમજ જેમણે પાકવીમો લીધો નથી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકારના નોર્મસ મુજબ સહાયતા ચુકવવામાં આવશે. રાજય-કેન્દ્ર સરકાર વીમા કંપની સાથે લાઇજનીંગમાં છે. તમામ ખેડૂતોને ન્યાય મળશે અને ફોર્મ ભરવાની મુદત વધારવાની પણ વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે.

(12:05 pm IST)