Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગિરનાર પરીક્રમાનો શુક્રવારથી રંગેચંગે પ્રારંભ

પરિક્રમાનો રૂટ અગિયારશે મોડી રાત્રે જ ખુલ્લો મુકાશેઃ ડો. સૌરભ પારધીનો પરિપત્ર

જુનાગઢ તા. ૪: સમગ્ર સૌરાષ્ટ્ર સહીત દેશભરમાં અનેરી ખ્યાતિ ધરાવતી ગરવા ગિરનારની ભવ્ય ભાતિગળ સમી પાવનકારી પરિક્રમાંનો તા. ૮ને શુક્રવાર કારતક સુદ અગિયારસથી રંગેચંગે પ્રારંભ થવાનો છે.

ત્યારે છેવાડાના ગામમાંથી લોકો આ પાવનકારી પરિક્રમામાં જોડાવા માટે જુનાગઢ ઉમટી પડશે ૩૬ કિ.મી. લાંબી આ ભકિતમય પરિક્રમામાં પાંચ દિવસ સુધી ગીરીકંદરાઓમાં રહી જંગલમાં મંગલમય પરિક્રમાં કરી પોતાનાં જીવન ધન્ય બનાવશે.

પરિક્રમાંના રૂપે અલખના ઓટલે આળોટવા માટે લાખો ભાવિકો મહાસાગર રૂપી પરિક્રમામાં જોડાઇ પરિક્રમાંની વિસ્મરણીયપળો પોતાની સાથે વતનમાં લઇ જાય છે.

આવી ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમરૂપ સમી ગિરીવર ગિરનાર ફરતે ચાર ચાર દિવસ ચાલનારી પરિક્રમાંમાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે.

હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા અને માન સરોવર યાત્રા જેટલુંજ મહત્વ ધરાવતી ગરવા ગિરનારની ફરતે ચાર દિવસીય લીલી પરિક્રમાંની પરંપરા આજની યુવા પેઢીએ પણ જાળવી રાખી છે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ ૧૧થી શરૂ થતી પાવનકારી પરિક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપટી પડે તેવી સંભાવના છે.

આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા વધુ રહેવાની ધારણા

ગત વર્ષ કરતા આ વર્ષે પરિક્રમામાં આવનાર લોકોની સંખ્યા વધુ રહેશે તેમ કહી શકાય કારણ કે આ વર્ષે વરસાદને કારણે ખેડુતોને કામકાજ પુર્ણ થવાનું હોય.

પરિક્રમાનો રૂટ અગીયારસે મોડી રાત્રેજ ખુલ્લો મુકાશે

મહા વાવાઝોડાને કારણે ગીરનાર પરિક્રમા પર અસર જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લા કલેકટર ડી.સૌરભપારધી દ્વારા ગીરનાર પરિક્રમા ૮ નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલા શરૂ થઇ જતી હોય છે જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર જુનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગીરનારની પરિકમાં માટે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગીરનારની તળેટીમાં ઉમટી પડતા હોય છે ચાર દિવસ પહેલાથી જ આ યાત્રા ચાલુ કરી દેવામાં આવતી હોય છે જો કે આ વખતે મહા વાવાઝોડાની સ્થિતિમાં કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટર દ્વારા પરીક્રમના દિવસે જ એટલે કે કારતક સુદ અગિયારસ ૮ નવેમ્બરના દિવસેજ પરિક્રમા રૂટ મોડી રાત્રે ખુલ્લો મુકવામાં આવશે જેથી વહેલા આવી જતા યાત્રીઓએ તેમની વ્યવસ્થા કરી આવવા જણાવ્યું હતું.

ભવનાથ તળેટીમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીયા તેમને મળેલ અધિકારીની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને તા.૬ થી ૧ર નવેમ્બર સુધી ભારે વાહનો જેવા કે ટ્રક, ભારવાહન મેટાડોર, ટ્રેલર સાથેનું ભારવાહન ટ્રેકટર તથા ભારવાહક છકડો, ભારવાહન રીક્ષા તથા ખાનગી બસ, મીની બસ વિગેરે ભરડાવાવથી ભવનાથ તરફ જતા રસ્તા પર ચલાવવા લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે આ હુકમ ફરજ પરતા પોલીસ ખાતાના જિલ્લા આરોગ્ય ખાતાના જાહેર બાંધકામ ખાતાના વન ખાતાના તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડ, જુનાગઢ મહાનગરપાલિકાના ફરજ ઉપરના વાહનોને લાગુ પડશે નહી આ ઉપરાંત સ્વેચ્છીક સંસ્થાઓ વિગેરેના વાહનો વાળાએ નાયબ વન સંરક્ષણ વન વિભાગ જુનાગઢ પાસેથી વાહનો લઇ જવા માટે પાસ મેળવેલા હશે તેઓને લાગુ પડશે નહી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ગિરનાર પરિક્રમાર્થીઓને નિયત રૂટ ઉપર ચાલવા અનુરોધ

ભવનાથ તળેટીમાં તા.૮ થી ૧ર સુધી ગિરનાર પરિક્રમા યોજાનાર છે પરિક્રમમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે જેથી જંગલ વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂર હોય જુનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકએ પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે. જે મુજબ ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આવેલ પાક્રીમાના રસ્તા તથા કેડીએ ભવનાથથી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઇંટવા સુધીનો રસ્તો, ઇટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડથી સુકનાળા સુધીનો રસ્તો, સુકનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી. નળપાણીની જગ્યા સુધીનો રસ્તો નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ભવનાથથી બોરદેવી સુધીનો રસ્તો વન વિભાગ દ્વારા રસ્તાઓ નિયતકરાયેલ છે.

ગીરનાર પરિક્રમા પ્રકૃતિ દેવીના પાલવને ગંદો ન કરવા ઇન્દ્રભારતી બાપુની યાત્રીકોને અપીલ

જુનાગઢ :  ગરવા ગિરનારની આગામી તા. ૮ મી નવેમ્બર થી પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે, ત્યારે ગીરનાર મંડળના અધ્યક્ષ અને જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી મહારાજ દ્વારા પરિક્રમામાં પુણ્યનું ભાથુ બાંધવા પધારી રહેલા પરિક્રમાના ભાવિકોને ખાસ અનુરોધ સાથે ગીરનાર પરિક્રમામાં કોઇપણ જાતનું પ્લાસ્ટીક ના લાવવા અને પ્રકૃતિદેવીને પ્લાસ્ટીક મોટુ નુકશાન કરતુ હોય છે. જેથી કોઇપણ યાત્રીક પરિક્રમાના રૂટ ઉપર પ્લાસ્ટીક જેવા કે ઝબલા, ગુટકા, વગેરે ચીજવસ્તુ જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય તેવુ પ્લાસ્ટીક જંગલમાં ના લઇ જવા અને જંગલમાં ઓણ સાલ સારા વરસાદના કારણે નદી નાળા અને ઝરણાના શુધ્ધ પાણીને ડીટરજન્ટ કે સાબુનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. જંગલમાં પશુ પક્ષી અને જંગલી જનાવરો પાણીને પીવા માટે ઉપયોગ કરતા હોય છે, જેથી જંગલમાં વહેતા નીર્મળ જળને પ્રદુષીત ના કરવા અને જયાં ત્યાં કચરો કે એઠવાડ ના ફેંકવા પૂ. બાપુ દ્વારા અપીલ કરાઇ છે, અને પ્રકૃતિદેવીના પાલવને ગંદો ના કરવા સોૈવ કોઇ યાત્રીકની પ્રાથમીક ફરજ છે. પરિક્રમા દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા જે સુવિધાઓ ઉભી કરાઇ રહી  છે  અને જે નિયમો બનાવાય છે, તેનો અમલ કરો અને અન્યને પણ કરાવો. અંતમાં પરિક્રમા કરવા પધારેલા તમામ ભાવિકજનોને જંગલની પ્રકૃતિનુ જતન કરવા અંતમાં ઇન્દ્રભારતી બાપુએ જણાવેલ છે.

(12:00 pm IST)