Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

લીંબડીના બળોલ સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા : અંતિમવિધી માટે પાણીમાંથી પસાર થવું પડે છે

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજય છે. આ ગંદકીને લઇને મચ્છરો ઉપદ્રવ પણ વધ્યો છે. આ મચ્છરના ઉપદ્રવ વધારાને કારણે આરોગ્ય પર પણ ખતરો જોવા મળી રહી છે. ત્યારે લીંબડી તાલુકાના બળોલ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર પર વિરામ લીધો છે, પરંતુ વિરામ બાદ પણ પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો સહીત વિદ્યાર્થીઓને શાળાએ જવા-આવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે અને બળોલ ગામે સ્મશાને અંતિમયાત્રા લઇને જતા પણ લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, લીંબડી તાલુકાના બળોલ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે અનેક લોકો પરેશાન છે તેમજ અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજય છે. આથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ગામમાં એક વ્યકિતનું મરણ થતાં તેને અગ્નિસંસ્કાર દેવા માટે સ્મશાને જવા માટે પણ પાણીમાંથી પસાર થઇને જોવું પડયું હતું. તાત્કાલીક અર્થે પાણી તેમજ ગંદકીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી છે. (તસ્વીર-અહેવાલ-ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:05 pm IST)