Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

બ્રહ્મલીન ગોપાલનંદજીબાપુનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

પૂ. બાપુની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, આગેવાનો, ભાવિકો જોડાયાઃ નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી, પરેશભાઇ ધાનાણી સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પી

જુનાગઢ : ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદજીબાપુનો દેહવિલય થતા ઘેરો શોક છવાયો છે. આજે પુ. ગોપાલાનંદજીબાપુની અંતિમ યાત્રા સવારે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંતો - મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો, શહેરીજનો, ભાવિકો જોડાયા હતાં. અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૪ :.. બ્રહ્મલીન સંતશ્રી ગોપાલનંદજીબાપુનો પાર્થિવદેહ આજે સવારે ગીરનારનાં સાનિધ્યે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આ સમયે સમગ્ર વાતાવરણ શોકમગ્ન થઇ ગયું હતું.

ભારત સાધુ સમાજના વરિષ્ઠ સંત અને અગ્નિ અખાડાના પુર્વ સભાપતિ શ્રી ગોપાલનંદજીબાપુનો ગાંધી જયંતિએ બીલખામાં રાવલેશ્વર ધર્માલય ખાતે દેહવિલય થયેલ.

આ મહાન સંતશ્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇશ્વરીય રૂપ ગણાવીને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જયારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી ગોપાલનંદજીને સાચા સંત ગણાવીને શ્રધ્ધા સુમન પાઠવ્યા હતાં. તેમજ શ્રી મોરારીબાપુએ પણ પ્રત્યક્ષ શ્રધ્ધાંજલી અર્પી હતી.

પૂ. બાપુનાં માનમાં બીલખા શહેરે બે દિવસનો બંધ પાળીને શ્રધ્ધાંજલી આર્પી હતી.

ગઇકાલથી પૂ. બાપુનો નશ્વર દેહ જૂનાગઢના બિલનાથ મંદિરે દર્શનાર્થે રાખવામાં આવેલ. જયાં સરકારના પ્રતિનિધિ તરીકે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડીયા, સહિતના પ્રધાનો ઉપરાંત આગેવાનો, નગરજનો સહિત ભાવિકોએ પૂ. બાપુના અંંતિમ દર્શન કરીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

આજે સવારે વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી ત્થા ધારાસભ્ય શ્રી હર્ષદ રીબડીયા વગેરેએ પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ભગવાનભાઇ બારડ સહિતનાએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

દરમ્યાનમાં આજે સવારે ૬ કલાકે કે શ્રી ગોપાલાનંદજી બાપુની અંતિમયાત્રા સુશોભીત બગીમાં બિલખા મંદિરેથી નીકળી હતી.

જેમાં મહામંડલેશ્વરશ્રી ભારતીબાપુ, કૈલાસનંદજી, પૂ. બાપુના શિષ્ય શ્રી મુકતાનંદબાપુ, હરિગીરીબાપુ, લંડનથી પહોંચેલા ધુનડા આશ્રમના શ્રી જેન્તીરામ બાપા, ગિરનાર અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરી, શ્રી કનકેશ્વરી દેવીજી, શૈલેજાદેવીજી, હરિહર બ્રહ્મ, શેરનાથબાપુ, મેઘાનંદજી સહિતના સંતો મહંતો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, મેયર આદ્યાશકિતબેન મજમુદાર સહિત આગેવાનો કાર્યકરો ઉપરાંત વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

બિલનાથ મંદિરેથી શરૂ થયેલી અંતિમયાત્રા દરમ્યાન ઠેકઠેકાણે પુ.બાપુને પુષ્પાજંલી અપર્ણ કરવામાં આવી હતી.

બિલનાથ મંદિરેથી કાળવા ચોકમાં ગોદડ અખાડા થઇ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ભીંડ ભંજન મહાદેવ મંદિર, દામોદરકુંડ થઇ ગીરનાર સીડીએ પહોંચી હતી.

અહીથી પૂ. બાપુની અંતિમ યાત્રા, ગરવા ગિરનારના સાનિધ્યમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઇ હતી. અહી શાસ્ત્રોકત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી ગોપાલાનંદજીબાપુના નશ્વર દેહના અંતિમ સંસ્કાર થયા હતા. અને પૂ. બાપુનો પાર્થિવ દેહ પંચમહા ભુતમાં વિલીન થયો હતો.

આ સમયે સાધુ-સંતો ભાવિકો વગેરેની આંખો ભીની થઇ હતી. વાતાવરણ શોકમગ્ન થઇ ગયું હતું.

(4:13 pm IST)