Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

પૂ. ગોપાલનંદજી દિકરીઓને શિક્ષણ આપવાના હિમાયતી હતાઃ નરેન્દ્રભાઇએ શ્રધ્ધાંજલી અર્પી

કોઇ સંસારી પણ ન કરી શકે તેવુ કેળવણીક્ષેત્રેે સંતે કામ કર્યુઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા-જયેશભાઇ રાદડિયા

જુનાગઢ, તા.૪:  રાજય સરકારના પ્રતિનિધિઓ તરીકે સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢના પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડિયાએ બિલનાથ મંદિર ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ શ્રી ગોપાલાનંદજી મહારાજને પુષ્પાજલી અર્પણ કરીને રાજય સરકાર વતી શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ પુજય બાપુના અવસાન અંગે દુખ વ્યકત કરીને પુજય ગોપાલાનંદજી મહારાજને તેમને એક ઇશ્વરીય રૂપ બતાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ભારત સાધુ સમાજના વરિષ્ઠ શ્રીમહંત ગોપાલાનંદજી ટૂંકી બીમારી બાદ ગઇકાલે બ્રહ્મ લીન થતા સાધુ સમાજ અને સેવક સમુદાય શોકમાં ગરકાવ થયો છે. બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતેથી પાલખીયાત્રા નીકળ્યા બાદ સંતશ્રીને જુનાગઢ બિલેશ્વર ધર્માલય ખાતે લોકદર્શનાર્થે રખાયા બાદ તા.૪ ઓકટોબરે અંતિમવિધિ કરાશે, મહંતશ્રી ગોપાલાનંદજીનાં નિજધામ પ્રયાણથી રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી પાટવી છે. આજે રાજયનાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયશેભાઇ રાદડીયાએ જૂનાગઢ પધારીને સંતશ્રીનાં પાર્થિવદેહને નમન કરી સંતનાં ચરણોમાં પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે મંત્રીશ્રી ભુપેદ્રસિંહજી ચુડાસમાએ સદગત સંતની સ્મૃતિઓને યાદ કરી શબ્દાંજલી પાઠવતા જણાવ્યુ હતુ કે એકસો પંદરથી વધુ વર્ષની લાંબી જીવનસફર દરમ્યાન પરમપૂજય ગોપાલાનંદજીએ સમાજોત્કર્ષનાં અનેકવિધ કાર્યો કરી પરગણામાં સુવાસ રેલાવી હતી. પુજય ગોપાલાનંદજીબાપુએ કન્યાકેળવણી અર્થે શ્રમજીવી અને પશુપાલક સમાજની દીકરીઓ અભ્યાસમાં પાછળ ના રહે તે દીશામાં અનેકવિધ કાર્યો કરી કન્યાકેળવણીમાં અનન્ય યોગદાન આપ્યુ છે તે ચિરકાલ સમાજને ઉપયોગી બની રહેશે. ગોપાલાનંદજીનાં કન્યાકેળવણી માટે જૂનાગઢ ખાતે વિવિધ સમાજને દિકરીનાં શિક્ષણકાજ શિક્ષણભવન નિર્માણાર્થે જમીન ફાળવવા અને શૈક્ષણીક અને સામાજીક પછાત વર્ગની દિકરીઓને અભ્યાસની મુખ્ય ધારામાં જોડવા કરેલ પહેલને યાદ કરતા જણાવ્યુ હતુ કે કોઇ શિક્ષણશાસ્ત્રી ના કરી શકે તેવુ કાર્ય ગોપાલાનંદજીએ કર્યુ છે,આ માટે સમાજ કાયમ માટે ઋણી રહેશે.     

સુવેરધામ આશ્રમ ચાંપરડાના મહંત શ્રી મુકતાનંદબાપુ, ગિરનારના અંબાજીના મહંત તનસુખગીરીબાપુ, હરિદ્વારથી શ્રી કેલાશાનંદજી, સત્તાધારનાં સંતશ્રી વિજયબાપુ, સ્વામિનારાયણનાં સંતગણ, વિવિધ ધર્માલયોનાં સંતો સહિત આજે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, શ્રી શશીભાઇ ભીમાણી, મહિલા સુરક્ષા સમિતિના પુર્વ ઉપાધ્યક્ષા સુશ્રી જયોતીબેન વાછાણી, યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડિેરકટર યોગીભાઇ પઢીયાર, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી પૂનિતભાઇ શર્મા, નિરૂબેન કાંબલીયા, શ્રી સંજયભાઇ કોરડીયા, સહિત અગ્રણીઓ, વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ, વિદ્યાર્થીઓએ સંતશ્રીને શ્રદ્ઘા-સુમન અર્પણ કર્યા હતા, બિલખા તથા આસપાસના વિસ્તારમાં શ્રીમહંત ગોપાલાનંદજી બ્રહ્મલીન થયાની વાયુવેગે જાણ થતા તેમનો સેવક સમુદાય ઉમટી પડયો હતો. અને ગોપાલાનંદજીના પાર્થિવદેહના દર્શન કરી શ્રદ્ઘા સુમન અર્પણ કર્યા હતા, ગિરનાર સાધુ-સમાજના માર્ગદર્શક બ્રહ્મલીન થતા સમગ્ર સાધુ સમાજએ આંચકો અનુભવ્યો છે. જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ અંજલિ અર્પતા જણાવ્યું કે, ભવનાથ તિર્થક્ષેત્રનાં વિકાસ અને ત્યોહારોમાં પૂ. બાપુ કાયમી પથદર્શક બન્યા હતા, તેમની કાયમી ખોટ ભવનાથ તર્થક્ષેત્રને  વર્તાશે. ભારત સાધુ સમાજના વયોવૃદ્ઘ ગોપાલાનંદજી અંબાજીના પરમ ઉપાસક, સ્પષ્ટ વકતા, સાધુ સમાજમાં આદરપ્રિય હતા અને સાધુ-સંતો, સમાજના પ્રશ્ને આજીવન સંદ્યર્ષ કરી પરિણામ અપાવતા અને ગૌમાતાના દુૅંખને જોઇ ઉકળી ઉઠતા હતા. દુષ્કાળમાં ગૌવંશને બચાવવા તેઓએ અથાગ મહેનત કરી હતી. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મહંત શ્રી ગોપાલાનંદજી બાપુને અંજલિ અર્પતા મેયર સૂશ્રી આદ્યાશકિતબેન મજમુદારે કહ્યું કે, તેમનાં નિર્વાણને મારા પ્રણામ, તેઓએ વરસો સુધી સાધુ સમાજ અને સમગ્ર સમાજ માટે સેવા કાર્ય કર્યું. તેમનું યોગદાન શ્રેષ્ઠ રહ્યું છે. તેમની ચેતનાને પ્રણામ કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરું છું.

(4:12 pm IST)