Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

લીલીયા પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા ૩૮ ગામડાઓમાં અંધારપટ્ટ

અમરેલી તા. ૪ : હાલના  સમયે જનજીવન વરસાદની  ચાતક નજરે રાહ જોઇ રહયું છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઇ છે. લીલીયા પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાતા ૩૮ ગામડાઓમાં અંધારપટ્ટ  છવાયો છે અને મોડી રાત્રે વિજપુરવઠો કાર્યરત થયો હતો.

સાંજના પાંચ વાગ્યે તોફાની પવન અને વરસાદને કારણે લીલીયા અને ગુંદરણના બન્ને ૬૬ કેવી સબસ્ટેશનો ફોલ્ટમાં ચાલ્યા જતા લીલીયા તાલુકાના ૩૮ ગામો  અંધારામાં  ચાલ્યા ગયા હતા અને જેટકોના સ્ટાફ દ્વારા વિજપુરવઠો શરૂ કરવા યુઘ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૩૮ ગામોમાં સાંજના પાંચ વાગ્યાથી ખોરવાયેલો વિજપુરવઠો મોડી રાત્રે કાર્યરત થયો હતો.

લીલીયા અને દામનગર વચ્ચે વીજતાર ઉપર વીજળી પડી હોવાને કારણે વિજપુરવઠો ખોરવાયો હતો. દામનગર અને લીલીયા વચ્ચેના ગામડાઓ ઉપરાંત ગારીયાધારના પરબડીમાં એક ઇંચ તોફાની વરસાદ પડી ગયો હતો.

(3:50 pm IST)