Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જુનાગઢ વાસીઓએ હર્ષોલ્લાસ સાથે પૂ. ગાંધીની જન્મ જયંતિએ ભાવાંજલી

પ્રભાત ફેરીમાં વિદ્યાર્થીઓ એનસીસી ક્રેડેરો જોડાયા સ્વચ્છતાના સુત્રો વહેતા કર્યા

જુનાગઢ, તા.૪:  રાષ્ટ્રપિતા પુજય ગાંધીજી પ્રતિભા સંપન્ન નેતા, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક, વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. પુજય ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરિકેનું માન પામ્યા છે, બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો.

 તેમને મન સ્વચ્છતા એ માત્ર કચરો સાફ કરવાના સ્થૂળ અર્થમાં નહીં પરંતુ કોઈ પણ વસ્તુના યોગ્ય અને કરકસરયુકત ઉપયોગ વડે ઓછામાં ઓછો બગાડ થાય અને બધું જ એ રીતે વપરાયા પછી પણ જે કચરો નીકળે તે યોગ્ય જગ્યાએ પહોંચે એવા સૂક્ષ્મ અર્થમાં છે. તે વિચારોને આત્મસાત કરવા અને જૂનાગઢ નગરવાસીઓ મહાત્માને જન્મદિને સાચા અર્થમાં શ્રધ્ધા સ્મરણ અર્પણ થાય તેવો કાર્યક્રમ યોજાયો હતો.

બીજી ઓકટોબરનાં મંગળ પ્રભાતે શામળદાસ ગાંધી ટાઉનહોલ સમીપેથી અને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સાક્ષીએ જૂનાગઢની વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, અને જૂનાગઢનાં નગરજનોની પ્રભાતફેરીને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ.

 રેલી જૂનાગઢનાં રાજમાર્ગો પર સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં નાદભર્યા સુત્રો ગૂજતા કરતી આરઝી હકુમતની સાક્ષીપુરતી બહાઉદ્દિન કોલેજ પટાંગણે પહોંચતા ત્યાં સભાસ્વરૂપે ફેરવાઇ હતી. જયાં મહાનુભાવોએ ગાંધીજીની છબીને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી વ્યકત કરી હતી. આ પ્રસંગે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, કલેકટરશ્રી ડો. સૈારભ પારધી, મ્યુ. કમિશ્નર શ્રી પ્રકાશ સોલંકી, નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીઆ, સિનીયર સિટીઝન મંડળનાં જે.બી.માકડ અને સભ્યો,પ્રાથમિક શિક્ષણધિકારી કે.એ.પટેલ, અગ્રણી વજુભાઇ હીરપરા, નગરસેવક મોહનભાઇ પરમાર, સુરેશભાઇ પાનસુરીયા, જયોતિબેન વાછાણી, નિલેષભાઇ ધુલેશીયા   કર્મચારીઓ અને નગરજનો સર્વધર્મ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

 બાદમાં ગાંધીચોક ખાતે સાથી મહાનુભાવો સાથે ગાંધી પ્રતિમા સ્થળે નાયબ મેયર ગીરીશભાઇ કોટેચા, અગ્રણી પ્રદિપભાઇ ખિમાણી, શૈલેષભાઇ દવે, સંજયભાઇ કોરડીયા, શશીભાઇ ભીમાણી, નગરસેવકો, રાજકીય આગેવનો, પ્રબુધ્ધ શહેરજનો પણ જોડાયા હતા. અને નગરને સ્વચ્છ રાખવા સંકલ્પનાં વ્યકત કરી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાભાવ વ્યકત કર્યો હતો.

ચુનારવાડા વિસ્તારનાં રહીશોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશો આપવા, મહાત્માનાં વિચારોનો પ્રચાર-પ્રસાર થાય, તે હેતુ કલકેટરશ્રી ડો. પારઘી, મેયર, કમિશ્નરશ્રી સોલંકી,તથા આગેવાનોએ ચુનારવડા વિસ્તારમાં શેરીએ શેરીએ ભ્રમણ કરી વિસ્તારનાં રહીશોને સ્વચ્છતાની સમજણ આપી હતી.(૨૨.૩)

(12:32 pm IST)