Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સૌરાષ્ટ્ર કચ્છ ગાંધીમય બન્યું : ગાંધી જયંતિએ સફાઇ અભિયાન સહિત કાર્યક્રમો યોજાયા

ખાદી ભંડારોમાં ખાદી વેચાણમાં વિશેષ વળતરનો પ્રારંભ : શાળા કોલેજો તથા સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધા - વેશભૂષા યોજાઇ

રાજકોટ તા.૪ : રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીએ ગામે ગામ પુષ્પાંજલી, સફાઇ અભિયાન ખાદી વેચાણમાં વિશેષ વળતર તેમજ શાળા કોલેજ અને સેવાકીય સંસ્થાઓમાં વકતૃત્વ નિબંધ અને ચિત્ર સહિત સ્પર્ધાઓ તેમજ વેશભૂષા  સહિત કાર્યક્રમો યોજાયેલ અને સૌરાષ્ટ્ર - કચ્છ ગાંધીમય બની ગયેલ.

ભાવનગર

ભાવનગર : ગાંધીસ્મૃતિ સંસ્થામા ગાંધી જયંતીએ ૯ વાગ્યે સર્વ ધર્મ પ્રાર્થના તથા વિચારો, ગાંધી વાંચન કરાયેલ. અત્રીબેન મહેતાએ ધૂન ભજન ગાયા હતા. કાર્યક્રમમાં ખેડુત અગ્રણી રવજીભાઇ પટેલ, ભાવનગર ડી.કો.ઓ.બેંકના ચેરમેન શ્રીનાનુભાઇ વાઘાણી તથા પ્રદિપભાઇ દેસાઇ, બિપીનભાઇ શાહ, સંજયભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહેલ. ભાવનગર શાળાના સ્કાઉટ ગાઇડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ પારેખે કરેલ.

શહેરના ભાજપના અગ્રણીઓ પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા, પૂર્વ પ્રમુખ ચેમ્બર ટી.એમ.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી

ધોરાજી : અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી લાયન્સ કલબ ધોરાજી દ્વારા સ્ટેશન રોડ પર પ્રવાસી ગૃહ ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે ઓનેષ્ટી શોપનું આયોજન કરેલ. જેમાં સ્કુલના બાળકોએ ઓનેસ્ટી શોપની મુલાકાત લઇ યોગ્ય ખરીદી કરી હતી.

લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવેલ કે ગાંધી વિચારો બાળકો સુધી પહોચેે. આ તકે સરકારી હોસ્પિટલના હિતેશભાઇ પારેખે ગાંધીના વિચારો રજૂ કરી લોકોને અનુસરવા કહેલ અને આ તકે લાયન્સ કલબ પરિવાર દ્વારા હિતેશભાઇ પારેખને પુસ્તકો આપી સન્માનીત કરાયેલ હતા.

લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા, કલ્પેશભાઇ હરપાલ, જનકભાઇ હિરપરા, પૂર્વ પ્રમુખ ભાવેશ માવાણી, પિન્ટુ ભાયાણી, હાર્દિક હરપાલ, અખીલ રાખોલીયા, હિરેન અમીન, મહેન્દ્ર કોટડીયા, અનીલ વઘાસીયા, રાજુભાઇ હિરપરા સહિતના લાયન્સ કલબ પરિવાર હાજર રહેલ હતા.

જામનગર

જામનગર : ઓપિનિયન (યુકે) સામયિકની પહેલથી શરૂ કરેલ દશેક વ્યાખ્યાનમાળાનું જામનગર ખાતે આયોજન થયુ છે. જેમાં ગાંધી એકસો પચાસ નવયુગી રાષ્ટ્રવિમર્શ વિષય પર વ્યાખ્યાન યોજાશે.

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા આયોજીત અને ઓપીનીયન (યુકે) સામાયિકની પહેલથી વિદેશમાં વસતા ચાહકોએ એકત્ર કરેલ નિધિ અંતર્ગત શરૂ કરેલ દર્શક વ્યાખ્યાનમાળાનું ત્રીજા વર્ષનું વ્યાખ્યાન સંશોધક અને કટારથી શ્રી રમેશભાઇ ઓઝા આપનાર છે. જેમાં ગાંધી એકસો પચાસ નવયુગી રાષ્ટ્રવિમર્શ વિષય પર વ્યાખ્યાન સોમવાર તા.૧૫ સવારે ૧૦-૩૦ કલાકે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે આ આયોજન થયુ છે. શ્રી મનુભાઇ પંચોળી દર્શક વ્યાખ્યાન માળા સંદર્ભે દર્શક ઓપીનિયન વ્યાખ્યાનમાળા, વ્યવસ્થાપક સમિતિના અરૂણભાઇ દવે, વિપુલભાઇ કલ્માણી, પ્રકાશભાઇ શાહ, પ્રફુલભાઇ દવે, સંજયભાઇ તથા હસમુખભાઇ દેવમોરારી આયોજનમાં રહ્યા છે.(૪૫.૩)

(12:28 pm IST)