Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગોંડલવાસીઓના આક્રોશનો પડઘો : પોલીસમથકમાં મહારાજા સર ભગવતસિંહજીની તસ્વીર ફરી મૂકાઇ

એસ.પી. બલરામ મીણાએ રાજવી પરિવારના પેલેસે જઇ દિલગીરી વ્યકત કરી પોલીસ મથકે મૂળ જગ્યાએ પ્રતિમા મૂકી ફુલહાર કરતા વિવાદ શમ્યોઃ ધારાસભ્ય ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ રેલી - આવેદન અપાયુ : ગોંડલ બંધ : સહિત આંદોલનની ચીમકી અપાઇ'તી

તસ્વીરમાં ગોંડલ ડે.કલેકટરને આવેદન અપાયું હતું તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી)

ગોંડલ તા. ૪ : ગોંડલ સીટી પોલીસ મથકમાંથી મહારાજા સર ભગવતસિંહજીની તસ્વીર હટાવી લેવાના જિલ્લા પોલીસ વડાને વિવાદાસ્પદ આદેશ બાદ ગોંડલવાસીઓનો આક્રોશ ભભુકી ઉઠતા એસ.પી. બલરામ મીણાએ ગોંડલ દોડી આવી રાજવી પરિવાર સમક્ષ દિલગીરી વ્યકત કરી પોલીસ મથકમાં મુખ્ય જગ્યાએ તસ્વીર લગાવી ફુલહાર કરતા વિવાદનો અંત આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસ મથકમાં જિલ્લા પોલીસવડાએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મહારાજા ભગવતસિંહજીની દૈદીપ્યમાન તસવીર વિશે અણ છાજતા શબ્દોનો પ્રયોગ કરી તસવીર હટાવી લેવાનો આદેશ કરતા સ્થાનિક પોલીસ દ્વારા તસવીર હટાવી લેવાતા અને બનાવની જાણ શહેરીજનોને થતા રોષ ફાટી નીકળવા પામ્યો હતો, ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજી નો એક અનેરો ઇતિહાસ છે, પાઠ્યપુસ્તકોમાં પણ તેમનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે, કન્યા કેળવણી અંગે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય તેઓ મહારાજા ભગવતસિંહનો ઉલ્લેખ કરી રહ્યા છે, તેમજ રાજય વહિવટમાં પણ મહારાજાના શાસનકાળનું દ્રષ્ટાંત ગૌરવભેર આપવામાં આવતું હોય.

બીજી બાજુ ગત રાતે ગોંડલમાં નાઇટ કોમ્બીંગમાં આવેલા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ સીટી પોલીસમાં રહેલ મહારાજાની તસવીર હટાવી લેવા આદેશ કરતા શહેર તાલુકા રાજપૂત સમાજ, ક્ષત્રિય યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર એસ એસ, ઉપરાંત શહેરના વિવિધ જ્ઞાતિ મંડળ, સામાજીક મંડળો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની મીટીંગ નગરપાલિકા કચેરી ખાતે મળી હતી અને બાદમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ની આગેવાની હેઠળ રેલી કાઢી પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા ને આવેદન પત્ર આપી ૨૪ કલાકમાં જો બલરામ મીણા દ્વારા મહારાજાની તસ્વીર મૂળસ્થાને લગાવી ગોંડલની જનતા અને રાજવી પરિવારની માફી નહીં મગાઇ તો ગોંડલ બંધ સહિત આંદોલન શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.

રેલીમાં ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજી ઉપરાંત ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વિવિધ સંગઠનોના આગેવાનો, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને આક્રોશ જતાવ્યો હતો, બનાવની જાણ શહેરમાં થતા લોકો પણ રોશીત બનવા પામ્યા છે, ઈતિહાસમાં અમર બની ચૂકેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજીને લોકો અનહદ ચાહતા હોય, શહેરમાં જિલ્લા પોલીસવડાના વર્તન સામે આક્રોશ ફેલાતા ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામીહ હતી.

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી ની તસ્વીર સિટી પોલીસ મથકમાંથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા હટાવી લેવા આદેશ અપાયા હોય ગોંડલના મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજા આગબબૂલા બની ઉઠ્યા હતા તેમણે પ્રાંત અધિકારીને કરેલી રજૂઆત જિલ્લા પોલીસવડાની પ્રમાણભાન ભૂલી કરાયેલ કરાયેલ હરકત જરા પણ ચલાવી લેવાશે નહીં તેવું જણાવી પ્રજાકીય આંદોલનની પોતે આગેવાની લઇ ગોંડલના આત્મસન્માન માટે ઉગ્ર લડત આપશે તેવું જણાવ્યું હતું.

ગોંડલ સિટી પોલીસ મથકમાં મહારાજા સર ભગવતસિંહજી ની તસ્વીર હટાવ્યા ની ઘટના બાદ વિવાદ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ વડા અલ્ટીમેટમના પગલે તુરંત ગોંડલ દોડી આવ્યા હતા, ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે મુલાકાત કરી વર્તમાન મહારાજા જયોતિન્દ્રસિંહજીના નિવાસસ્થાને પેલેસે જઈ દિલગીરી વ્યકત કરી હતી, બાદમાં સીટી પોલીસ મથકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, યુવરાજ હિમાંશુસિંહજી સહિત ના ઓ ની હાજરી માં મૂળભૂત જગ્યાએ મહારાજા સર ભગવતસિંહ તસવીર યથાવત રાખવી ફૂલહાર ચડાવી સન્માનિત કરતા વિવાદ થમી જવા પામ્યો હતો.(૨૧.૧૫)

 

(12:23 pm IST)