Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

આમરણ પંથકમાં અપુરતો વરસાદ અને ભાદરવાના આકરા તાપથી પાક નિષ્ફળઃ ખેડૂતો ઉપર ચિંતાના વાદળો

આમરણ તા.૪: ચોવીસી પંથકમાં અપુરતા વરસાદ અને સિંચાઇના પાણીના અભાવે કપાસ અને મગફળીનો પાક આખરે ભાદરવી તડકામાં બળીને નિષ્ફળ જતા ખેડૂત વર્ગ દયનિય સ્થિતિમાં મુકાયો છે. કાળી મજુરી, મોંઘાદાટ બિયારણો, જંતુનાશક દવાઓના ખર્ચા પછી પણ પાકને બચાવી નહિ શકનાર કિસાનોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

આમરણ, ખારસિયા, રાજપર, ઝીંઝુડા, કેરાળી, ફડસર, બેલા, ફાટસર, બાદનપર, જીવાપર, ધૂળકોટ, કોયલી વગેરે ગામના સરપંચો, સહકારી મંડળીના પ્રમુખો તેમજ મોરબી જિ.પં. પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા જિ.પં. સદસ્ય અમુભાઇ હુંબલ સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાકિદે ઘાસ ડેપો ખોલવા, રાહતકામો શરૂ કરવા તેમજ ખેડૂતોને પાક વિમાની રકમ ચુકવવા રજુઆત કરી છે.

આમરણ ચોવીસી પંથકમાં ઓણસાલ નિયત સમય કરતા એક માસ મોડા વરસેલા ર થી ૩ ઇંચ જેટલા વરસાદમાં ખેડૂતોએ વાવણી કરી હતી ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા છેલ્લે સોૈની યોજના અંતર્ગત ડેમી-૩ ડેમને ભરી નદીમાં પાણી છોડી પાકને બચાવવા ખેડૂતોએ સરકારને વારંવાર રજુઆત કરી હતી પરંતુ નિંભર તંત્રએ કંઇ દાદ ન દેતા આખરે આકરા તાપમાં ઉભેલ પાક બળી જતા પાક નિષ્ફળ ગયેલ છે.

આ વિસ્તારમાં માત્ર વરસાદ આધારીત ખેતી છે. દરિયા કાંઠા પરની આ જમીન ક્ષારયુકત છે. સિંચાઇની કોઇ સુવિધા પ્રાપ્ત નથી. તળમાં પાણી નથી. આવા સંજોગોમાં પણ સરકારશ્રીની સોૈની યોજના હેઠળનો  પાણીનો લાભ નહિં મળતા ખેડૂતો પોતાના નસીબને દોષી દઇ રહયા છે.(૧.૨)

(12:26 pm IST)