Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

હજારો વૃક્ષારોપણનો સંકલ્પ સાકાર કરતા લોધીકાના ડાંગરવાડાના ૮૭ વર્ષના હંસરાજભાઇ કાકડીયા

લોધીકા, તા. ૩૪: બચપણથી લઇ વૃદ્ધાવસ્થા સુધી એકધારો વૃક્ષોને ઉછેરી મોટા કરવાનો શોખ ધરાવતા ડાંગરવાડાના ૮૭ વર્ષના હંસરાજભાઇ કાકડીયાએ ડાંગરવાડા સહિત આજુબાજુના ગામોમાં હજારો વૃક્ષો ઉછેરી જતનપૂર્વક મોટા કરેલ છે.

વૃક્ષારોપણ કરવું તો સહેલું છે, પરંર્ીતુ તેને પાળી-પોસી મોટા કરવા મુશ્કેલ છે, જોકે 'છોડમાં રણછોડ' ઉકિતને જીવનમાં સાર્થક કરી બતાવનાર રાજયના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના જયેષ્ઠ બંધુ હંસરાજભાઇ કાકડીયાએ આજ સુધી હજારો વૃક્ષોને જતનપૂર્વક ઉછેરી મોટા કરેલ છે.

પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવતા અને સાથોસાથ નિરવ્યસનનો સંદેશો ઉજાગર કરનાર હંસરાજભાઇએ બચપણથી વૃક્ષારોપણનો શોખ અપનાવી આજે ૮૭ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી નિયમિત રીતે મોટર સાયકલ ઉપર વૃક્ષોના રોપા સાથે પાણીનો કેરબો લઇ આજુબાજુના લોધીકા, જેતાકુબા, કોઠાપીપળીયા, ચાંદલી, ચાપાબેડા સહિત ગામોમાં જઇ સ્વખર્ચે તેઓ વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. વૃક્ષોનું વાવેતર કરી તે મોટા થાય ત્યાં સુધી પાણી સિંચન સહિત કામગીરી બજાવે છે. આ તેમનો નિત્યક્રમ નિસ્વાર્થ ભાવે દસકાઓથી ચાલી રહ્યો છે.

ડાંગરવાડા નિવાસી હંસરાજભાઇ સાધન સંપન્ન છે, તેઓ ર્નિવ્યસની છે, તેઓ હંમેશા યુવાનો વ્યસનમુકત થાય તેવો ગામે ગામ સંદેશો આપે છે. પર્યાવરણ જાગૃતિ લાવવા તેઓ સૌને વૃક્ષારોપણ કરવા હિમાયત કરે છે. પોતાની જાત અનુભવી વાત કરવા તેઓ કહે છે કે, લોકો પોતાના મનોકામના પૂર્ણ કરવા જાત-જાતની ટેક રાખતા હોય છે ત્યારે જો લોકો એવી ટેક લે કે મારૂ આ કામ પૂર્ણ થશે તો હું પાંચ વૃક્ષ વાવી તેને ઉછેરી મોટા કરીશ, તો ઇશ્વરકૃપાથી ખરેખર મનોકામના પૂર્ણ થાય છે આ તેમનો જાત અનુભવ છે.

વયોવૃદ્ધ હોવા છતાં યુવાન જેવી સ્ફૂર્તિ તેમનામાં છે, ખેતી કાર્ય પણ કરે છે, વૃક્ષારોપણ કાર્યમાં તેમને નિજાનંદનનો આનંદ મળે છે.(૮.૭) 

(12:17 pm IST)