Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જસદણના થ્રેસર ઉદ્યોગમાં મંદી અપૂરતો વરસાદ કારણભૂત

જસદણ, તા. ૪ : જસદણ થ્રેસર ઉદ્યોગમાં જબરી મંદી આવતા કારખાનેદારો અને કારીગરોની હાલ કફોડી બની ગઇ છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ નહીવત રહેતા અને સરકારના કેટલાક નીતિ વિષયક પરિણામોને કારણે થ્રેસર ઉદ્યોગ મંદીના બોજથી લપેટાયો છે. જસદણમાં છેલ્લા પ૦ વર્ષથી થ્રેસર ઉદ્યોગ ધમધમી રહ્યો છે. થ્રેસરનું જન્મસ્થાન જસદણ હોવાના કારણે, દેશભરના ખેડૂતોનું મુખ્ય ખરીદી કેન્દ્ર  જસદણ હોવાથી આ વિસ્તારના કારખાનેદારો તથા થ્રેસર સાથે સંકળાયેલા હજારો કારીગરોને રોજીરોટી મળી રહી છે. ખાસ કરીને જસદણના થ્રેસરની મજબૂતાઇ ટકાવપણાને કારણે ખેડૂતોની પ્રથમ પસંદગી જસદણ હોવાને કારણે અનેક પરિવારો આ ધંધા સાથે સંકળાય પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે સરેરાસ વરસાદ ઓછો થતાં ખેડૂતોએ થ્રેસર ખરીદવાનું બંધ કરી દેતા આ ઉદ્યોગ મહાકાય મંદીના ભાર હેઠળ હાલ દબાતા કારખાનેદારો, કારીગરોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડી રહ્યા છે. આ અંગે જસદણ જીઆઇડીસીના પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડ એ જણાવ્યું કે થ્રેસર ઉદ્યોગમાં મંદીને કારણે કેટલાક એકમોને તાળા લાગી ગયા છે. થ્રેસરના છુટક વેચાણ માટે ઇ-વે બિલની સરકાર પળોજણ અપૂરતો વરસાદ આવા અનેક કારણોને લઇ હાલ થ્રેસર ઉદ્યોગ મંદીની ઝપટમાં છે. ત્યારે સરકારને આ ઉદ્યોગ માટે હિત હોય તો તેમણે સામે ચાલીને આ ઉદ્યોગને પુનઃ બેઠો કરવા મદદ કરવી જોઇએ.(૮.૯)

(12:13 pm IST)