Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

હરિભકતોએ મંત્રોચ્ચાર અને પુષ્પાંજલિથી મહંતસ્વામીનો બર્થ-ડે ઉજવ્યો

ભાવનગરમાં ૩૦,૦૦૦થી વધુ હરિભકતો અને ૬૦૦ થી વધુ સંતો BAPS ના ગુરૂહરિ મહંતસ્વામીની ૮૫મી વર્ષગાંઠની ઉજવણીમાં થયા સામેલ

તસ્વીરમાં BAPS ના ગુરૂહરિ મહંતસ્વામી તથા ભાવનગરમાં અક્ષરવાડી ખાતે મહંતસ્વામીનો મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઊજવવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહેલા હરિભકતો.

અમદાવાદ તા.૪: ભાવનગરમાં ગઇકાલે ૩૦ હજારથી વધુ હરિભકતો અને ૬૦૦થી વધુ સંતોએ BAPS ના ગુરૂહરિ મહંતસ્વામીના ૮૫મી વર્ષગાંઠ જન્મદિનનાં વધામણાં કર્યાં હતાં. હજારો હરિભકતોએ મંત્રપુષ્પાંજલિ મહંતસ્વામીને અર્પણ કરી હતી.

ગુરૂહરિ મહંતસ્વામીને જન્મદિનને વધાવવા માટે અને તેમનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા માટે ડોકટર સ્વામી, વિવેકસાગર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી સહિતના વરિષ્ઠ સંતો ઉપરાંત દેશ-વિદેશમાંથી આવેલા ૬૦૦ થી વધુ સંતો તેમજ ૩૦ હજારથી વધુ હરિભકતો ઉપસ્થિત રહયા હતાં.

મહંતસ્વામીએ સોૈ કોઇ સંતો-હરિભકતોને આશીર્વાદની કૃપાદ્રષ્ટિ કરી હતી અને આર્શીવચન આપતાં કહયું હતું કે બધું જ કાર્ય ભગવાન પર છોડી દેવું તો મનમાં કંઇ જ ભાર ન રહે. આપના પર રાખીએ તો ભાર લાગે, પણ ભગવાન પર ઢોળી દઇએ તો કાર્ય પણ પુરું થાય અને જરાય ભાર ન લાગે. દરેક સારું કાર્ય સંપીને કરીએ તો એ કાર્યમાં ભગવાન ભળે અને એ સફળતાપુર્વક પાર પડે, માટે જીવનમાં સંપ ખુબ જરૂરી છે. વ્યકિતગત સંપથી પરિવાર મજબુત બને, અનેક પરિવારથી શહેર મજબુત બને, શહેર દ્વારા રાજય અને રાજય દ્વારા દેશ મજબુત બને છે. અને આવી રીતે વૈશ્વિક એકતા કેળવી શકાય.

વડીલ સંતોએ પુષ્પમાળા દ્વારા મહંતસ્વામીને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ તબક્કે હજારો દીવડાની સમૂહઆરતીએ વાતાવરણમાં દિવ્ય માહોલ ઉભો કર્યો હતો. મહંતસ્વામીના જન્મદિને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હરિભકતોએ રકતદાન કર્યું હતું.(૧.૪)

(11:59 am IST)