Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ધોમધખતા તાપમાં વલ્લભીપુરમાં વાવાઝોડા સાથે ર ઇંચ વરસાદ

ગારીયાધાર પંથકમાં લાં...બા વિરામ બાદ વધુ વરસાદ વરસે તેવી આશા

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ગઇકાલે ભાવનગર જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ભાવનગરનાં વલ્લભીપુરમાં ર ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ગારીયાધારમાં ઝાપટા વરસ્યા હતાં.

આજે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે.

ભાવનગર

ભાવનગર : જીલ્લાનાં વલ્લભીપુર, ગારીયાધાર, સિહોર, સોનગઢ, પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડા જેવા વાતાવરણ વચ્ચે વલ્લભીપુરમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોમાં પલટાયેલા વાતાવરણથી રાહત અનુભવાઇ છે.

ભાવનગર જીલ્લામાં છેલ્લા દસેક દિવસ થી ૩૭ થી ૩૮ ડીગ્રીઓ પવનની ગતિ ધીમી પડતાં ઉનાળા જેવી ગરમી પડતી હતી. દરમ્યાન ગઇકાલ સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને જીલ્લાનાં વલ્લભીપુર, સિહોર, સોનગઢ, ઇશ્વરીયા, ગારીયાધાર, પરવડી વિગેરે ગામોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. ભાવનગર શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પરંતુ રાત્રીનાં આઠ સુધી વરસાદ પડયો  ન હતો. જો કે પલટાયેલા વાતાવરણથી ગરમીથી લોકોને રાહત થઇ હતી. વલ્લભીપુરમાં ૪૪ મી. મી. વરસાદ નોંધાયો છે. જયારે ગારીયાધાર પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ગારીયાધાર

ગારીયાધાર : શહેર અને પંથકમાં લાંબા સમય બાદ વરસાદનું ભારે ઝાપટુ વરસી પડયુ હતું ઘણા દિવસોથી થી અસહ્ય ગરમી અને ઉકળાટમાં આંશિક રાહત જોવા મળવા પામી હતી.

ગારીયાધાર પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાએ વરસાદ પધરામણી થતાં તમામના મોં મલકાયા હતાં. લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લઇ લેતા ખેડુતો, વેપારીઓ, મંજૂરી કરતા વર્ગોમાં ભારે નિરાશા વ્યાપી હતી. પરંતુ એક સપ્તાહથી ભારે ગરમી અને અસહ્ય બફારાના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. પરંતુ આજે સાંજે ૬ કલાકે વરસાદનું ભારે ઝાપટુ વરસી પડતો રોડ, રસ્તા પર પાણી ફરી વળતા સૌ કોઇના ચહેરા ઉપર સ્મીત લહેરાયું હતું.

પરંતુ આટલા વરસાદે સીમના પાકોમાં કોઇ પણ પ્રકારની જરૂરીયાત પુરી થઇ નથી. હજૂ ભારે વરસાદથી લોકોમાં આશાઓ બંધાઇ રહી છે. (પ-૧ર)

(11:33 am IST)