Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

અમરેલીમાં પૂ. બાપુની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે સંગીત સંધ્યામાં કલા રસીકો ઉમટયા

કલાકારોએ તળપદી ભાષામાં પૂ. ગાંધીના જીવન પ્રસંગો વર્ણવી શ્રોતાઓને ખુશ કર્યા

અમરેલી તા. ૪ : મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યો યુવાનોમાં અને આવનાર પેઢીમાં સંસ્કારોનું અસરકારક રીતે સિંચન થાય તે ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતુ.

પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સીનિયર સીટીઝન પાર્ક-અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને સંગીતસંધ્યા યોજાયેલ. જેમાં કલાકારો દ્વારા સંગીતમય ભજનોની અને મહાત્મા ગાંધીના જીવનપ્રસંગોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

જિલ્લા માહિતી કચેરી-અમરેલી દ્વારા આયોજિત જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોમાં કલાકારશ્રી બીનાબેન શુકલ, ચંદ્રકાંતભાઇ, ઉર્વીશાબેન બારોટ, શ્રી મહેન્દ્રભાઇ જોષીએ ભજનો સાથે તળપદી કાઠિયાવાડી બોલીમાં પૂ.બાપુના જીવનપ્રસંગો વર્ણવી શ્રોતાઓનું મન મોહી તેમને રસ તરબોળ કરી દીધા હતા. કલાકારોને બેન્જો કલાકાર પ્રકાશ સોલંકી, મંજીરા પર શ્રી મહેશ મકવાણાએ અને મનીષ મોરવાડીયાએ તબલા પર સાથ આપ્યો હતો. સંગીતમય ભજનો પ્રસ્તુત કરી મહાત્મા ગાંધીના સંસ્મરણો તાજા કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી સતાણી, નાયબ જિલ્લા પોલીસ નિયામકશ્રી દેસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દવે, મામલતદારશ્રી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વસાવા, શિક્ષણના શ્રી ડામોર, લાયન્સ કલબના શ્રી વસંત મોવલીયા, અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ, અમરેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૫)

(9:37 am IST)