Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સલામત સવારી ?...જોડીયાના મેઘપર પાસે રાજકોટ-ધ્રોલ-બાલંભા રૂટની એસટી બસ ગોથું ખાઇ ગઇઃ મુસાફરોમાં દેકારો

આગળનો કાચ ફોડી બધાને બહાર કઢાયાઃ એક મહિલાને ઇજાઃ અન્ય મુસાફરોનો બચાવ

રાજકોટઃ એસટી બસ માટે 'સલામત સવારી એસટી અમારી' એવું સુત્ર છે....પણ આજે સવારે એસટી બસ ઉંધી વળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જોડીયા નજીકના મેઘપર પાસે આજે સવારે રાજકોટ-ધ્રોલ-બાલંભા રૂટની એસટી બસ કોઇપણ કારણોસર ગોથુ ખાઇ રોડ સાઇડના પાણી ભરેલા નાનકડા ખાડામાં ખાંગી થઇ જતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. ચીચીયારી થતાં લોકો અને ગામના સરપંચ તથા જોડીયા પોલીસનો સ્ટાફ મદદે દોડી ગયો હતો. મુસાફરોને બસનો આગળનો કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં એક મહિલાને ઇજા થઇ હતી. બાકી તમામ મુસાફરોની સદ્દનસિબે ચમત્કારીક બચાવ થયો હતો. હિતેષ રાઠોડ નામના યુવાને તસ્વીરો અને વિડીયો મોકલ્યા હતાં. ખાંગી થઇ ગયેલી એસટી બસ અને તેનો કાચ તોડી બહાર કાઢવામાં આવી રહેલા મુસાફરોના દ્રશ્યો જોઇ શકાય છે.

(1:06 pm IST)