Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સવારે માંગરોળમાં અર્ધો ઇંચઃ જુનાગઢનું નરસિંહ તળાવઃ અને ડેમ ફરી ઓવરફલો

ગિરનાર અને દાતાર પર્વત પરથી બીજા દિવસે પણ ઝરણા જારીઃ જંગલમાં ૪ થી પ ઇંચ વરસાદ

જુનાગઢ તા. ૪ :.. આજે સવારે માંગરોળમાં મેઘાએ જોરદાર એન્ટ્રી મારીને અર્ધો ઇંચ મહેર કરતાં થોડીવારમાં પાણી પાણી થઇ ગયુ હતું.

બીજી તરફ ગઇકાલનાં ભારે વરસાદથી જૂનાગઢનું નરસિંહ તળાવ અને વિલીગ્ડન ડેમ ફરી ઓવરફલો થયેલ છે. આજે પણ ગીરનાર અને દાતાર પર્વત પરથી ઝરણા યથાવત રહયા છે.

જુનાગઢમાં સોમવારની માફક ગઇકાલે મંગળવારે પણ બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા ૪પ મીનીટમાં એક ઇંચ કરતા વધારે વરસાદ ખાબકયો હતો.

જયારે ગિરનાર અને દાતાર પર્વત ઉપર તેમજ તેના જંગલ વિસ્તારમાં ધોધમાર ૪ થી પ ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ બંને પર્વતની સીડી પરથી ધોધની માફક પાણી વહેતુ થઇ ગયુ હતું. ભારે વરસાદથી દાતાર તેમજ ગિરનાર પર્વત બાનમાં મુકાય ગયો હતો.

જૂનાગઢનો દામોર કુંડ ફરી છલકાય ગયો હતો. ઉપરવાસ ગીરનાર જંગલમાં અનરાધાર વરસાદથી દામોદર કુંડ ખાતેનાં મોક્ષ પીપળા સુધી પાણી પહોંચી ગયુ હતું. અને બાજુમાં આવેલ શિવાલયમાં પણ વરસાદી પાણી ઘુસી ગયુ હતું.

આ દરમ્યાન ભવનાથ ખાતેનાં નારાયણ ધરામાં પાણીનો પ્રવાહ વધતા ન્હાવા પડેલા જૂનાગઢના મધુરમ વિસ્તારનો મિથુન પ્રદીપભાઇ પરમાર (ઉ.૩૦) નામનો યુવાન ડુબવા લાગતા આસપાસના લોકો દોડી આવેલ.

પરંતુ નારાયણ ધરામાં પાણી વધતાં મિથુન પરમાર ઝાડ પર ચડી ગયો હતો જો કે ફાયર બ્રિગેડના કાફલાએ રેસ્કયુ કરીને આ યુવકને બચાવી લીધો હતો.

ગઇકાલના વરસાદથી જુનાગઢનાં અંબિકા ચોકમાં મોડી સાંજે એક જુના મકાનનો રવેશ તુટી પડયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. કોર્પોરેશન તંત્રએ જેસીબીની મદદથી મકાનનો જોખમી રવેશને દુર કર્યો હતો.

સોનરખ સહિતની નદી-નાળામાં આજે પણ પાણી જોવા મળ્યું છે.

અન્યત્ર મેઘ મહેર નથી.

(11:46 am IST)