Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

મોરબી પાસે ડમ્પર-રિક્ષા ટકરાયાઃ ત્રણના મોત

લાલપર નજીક મોડી રાતે અકસ્માતઃ ડમ્પર ચાલક નાસી ગયોઃ એકને ઇજાઃ જેનો જન્મદિવસ હતો તે આંચલભાઇ, વાંકાનેરનો રિક્ષાચાલક મહેબુબ કાદરી અને જન્મદિવસ ઉજવણીમાં ફેકટરીએ ગયેલ સંબંધી દિવ્યરાજ સિંહના ભોગ લેવાયા

મોરબી,તા.૪: મોરબીના લાલપર નજીક મોડી રાત્રે ડમ્પર ચાલકે રીક્ષા ને હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત ત્રણના મોત નિપજયા હતા જયારે એક ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે અને અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો

બનાવની મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર ગામ પાસે આવેલી ફેકટરીમાં કામ કરતા આંચલભાઈ અરવિંદભાઈ કુસવાહ ( ઉ.વ.૨૯) નો ગઈકાલ જન્મદિવસ હતો જેથી મોરબીના વિશિપરમાં રહેતા તેના બે સંબધી અરુણભાઈ વિરેન્દ્રસિંહ કુસવાહ ( ઉ.વ.૧૮) અને દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ કુસવાહ ( ઉ.વ.૧૦)ઓ જન્મદિવસ માટે લાલપર તેની ફેકટરી ગયા હતા અને જન્મદિવસ ઉજવણી બાદ બને ભાઈઓને હાઇવે પર આંચલભાઈ મુકવા માટે રાત્રે આવ્યો હતો. એક રીક્ષા વાંકાનેર તરફથી આવતી હતી જે રીક્ષા ઉભી રાખી તેમાં બને ભાઈઓ બેઠા ત્યારે અચાનક એક ડમ્પર આવી ધડાકાભેર રીક્ષા સાથે અથડાયો જેમાં રીક્ષા ડ્રાઈવર મહેબૂબભાઈ બાવાશાહ કાદરી (રહે વાંકાનેર) તેમજ, જેનો જન્મદિવસ હતો તે આંચલભાઈ અને દિવ્યરાજસિંહ સહિતના ત્રણ મોત નિપજયા હતા અને અરુણભાઈ ગભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અકસ્માતમાં ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો દ્યટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસના આઈ.ટી.જામ અને ઋતુરાજસિંહ જાડેજા સહિત સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

(11:42 am IST)