Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કુંકાવાવ સ્ટેટ બેંક ધણીધોરી વગરની દોઢ માસથી બ્રાંચ મેનેજર જ નથી !!

સીનિયર સીટીઝનો મહિલાઓને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે અનટ્રેઇન્ડ સ્ટાફના કારણે દરેક કામમાં વિલંબ થાય છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બ્રાન્ચ મેનેજરની નિમણૂંક કરવા માંગ

કુંકાવાવ, તા. ૪ : અહીંની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા બ્રાંચનો વહીવટ કથળી ગયો છે. દોઢ મહિના પહેલા એસબીઆઇના બ્રાન્ચ મેનેજરની બદલી થયા પછી આજ દિન સુધી નવા બ્રાંચ મેનેજરની નિમણૂંક થયેલ નથી. જેના કારણે વહીવટી મોટા નિર્ણયો થઇ શકતા નથી. તેમજ જુના અનુભવી કેશીયર અને બે કલાર્કની એકીસાથે બદલી થયા પછી તેની જગ્યાએ બે કલાર્કની નિમણૂંક થઇ છે જે અનટ્રેઇન્ડ હોવાથી કેશ બારી ઉપર લેવડ-દેવડ માટે ગ્રાહકોને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે.

વિકલાંગો-સીનીયર સીટીઝન-મહીલાઓ-પેન્શનરો હેરાન થઇ ગયા છે. વેપારીઓને પોતાના ધંધા-રોજગાર છોડીને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે. શિખાઉ સ્ટાફના કારણે ચેક કલીયરીંગમાં જતા દિવસો નીકળી જાય છે. ગ્રાહકોના વ્યવહાર ખોરવાઇ જાય છે.

નવા એકાઉન્ટ ખોલવા કેવીસી દાખલ કરવામાં ઘણો ટાઇમ લાગી જાય છે. બેંકમાં સિલક રાખવાની મર્યાદા ઓછી હોવાથી બે-ત્રણ લાખ કે તેથી વધુ રકમ મેળવવા માટે કોઇ મોટુ ભરણુ આવે તો પૈસા મળી શકે તેથી મોટુ ભરણુ ભરાઇ તેની રાહ જોવી પડે છે.

આવા અનેક પ્રશ્નો ઉભા થવાથી કુંકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તુરત જ બ્રાંચ મેનેજરની નિમણૂંક કરવા તેમજ આવા અનટ્રેઇન્ડ સ્ટાફની જગ્યાએ અનુભવી કલેરીકલ સ્ટાફની નિમણૂંક કરવા ઉચ્ચ સતાવાળાઓ સમક્ષ રજુઆત કરી છે.

(9:58 am IST)