Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રભક્તિના ભાવ સાથે હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ :;જૂનાગઢમાં ૨૦૮ સ્થળોએ તિરંગાના વેચાણ સ્ટોલ ઊભા થશે : જુનાગઢ જિલ્લામાં બે લાખથી વધુ તિરંગા ફાળવાશે: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્ટોલ ઊભા થશે : દેશ માટેના આ અભિયાનમાં સૌ કોઈને જોડાવા અનુરોધ કરતા અરવિંદભાઈ રૈયાણી

લોકોને સાથે રાખીને આઝાદીના અમૃત પર્વને ઉજવવા માટે જૂનાગઢમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજતા પ્રભારી મંત્રી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ :જુનાગઢ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણી સાથે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો રાષ્ટ્ર ભક્તિના ભાવ સાથે જોડાય તે માટે જિલ્લા પ્રશાસન અને જિલ્લાના  પદાધિકારીઓ સાથે આજે જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

     મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે આગામી તા.૧૩, ૧૪,૧૫ ઓગસ્ટ ના રોજ હર ઘર તિરંગા ના કાર્યક્રમમાં દરેક લોકો રાષ્ટ્રના આ અભિયાનમાં દેશભક્તિ સાથે જોડાય અને રાષ્ટ્ર પ્રત્યે એક ગૌરવની લાગણી સાથે અભિયાનને જિલ્લામાં સફળ બનાવે તેવો અનુરોધ કરું છું.

  મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ માર્ગદર્શન આપતા કહ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં તિરંગા ના વેચાણ માટે જે સ્ટોલ ઊભા કરવાના છે તે મુખ્ય રોડ ઉપર ઉભા કરવામાં આવે તો મહત્તમ લોકોને લાભ મળે આ માટે તંત્ર દ્વારા આયોજન કરીને જૂનાગઢમાં 208 સ્થળોએ તિરંગા ના કેન્દ્રો બનાવવામાં આવશે. જિલ્લામાં 900 થી વધુ સ્થળોએ તિરંગો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં બે લાખથી વધુ તિરંગા ફાળવવામાં આવશે અને તિરંગાની કિંમત  રૂ. 25 નક્કી કરવામાં આવી છે.

    જુનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્ર ભક્તિ રેલી અને બાઈક રેલી તેમજ જૂનાગઢ યુનિવર્સિટી ખાતે આ અભિયાનના પ્રારંભે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં સંતો મહંતોને સાથે રાખી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સંગઠન દ્વારા અને તંત્ર દ્વારા એમ સંયુક્ત રીતે આ દેશભક્તિનો કાર્યક્રમ યોજાઈ તે માટે પણ મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

     આ બેઠકમાં કલેકટર રચિત રાજે હર ઘર તિરંગા નો કાર્યક્રમ જિલ્લામાં સફળ થાય અને દરેક લોકો જોડાઈ તે માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલું આયોજન વિશેની વિગત આપી આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્ર તેમજ સસ્તા અનાજની દુકાનો ના સ્થળોએ પણ તિરંગા કેન્દ્ર ઊભા કરવામાં આવશે તેમ જણાવી શાળાઓમાં પણ રાષ્ટ્ર ભક્તિનો માહોલ સાથે બાળકો સ્વાતંત્ર વીરો વિશે જાણકારી મેળવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ હાથ ધરવામાં આવી છે તેમ પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, હરેશભાઈ પરસાણા તેમજ કલેકટર રચિત રાજ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં

 હર ઘર તિરંગા અંતર્ગત પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આયોજન અંગેની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા અધિક કલેક્ટર શ્રી બાંભણિયાએ આપી હતી.

(6:07 pm IST)