Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જૂનાગઢની હોસ્પિટલો – હોટલના બિલો, ગિરનાર રોપવેની ટિકિટમાં થઇ રહયો છે 'હર ઘર તિરંગા'ના લોગોનો ઉપયોગ

સરકારી કચેરીઓના પત્ર વ્યવહારમાં પણ શરૂ થઇ ગયો 'હર ઘર તિરંગા'ના લોગો -જૂનાગઢ જિલ્લામાં તિરંગાના વેચાણ કેન્દ્રો શરૂ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૪  :જૂનાગઢની હોસ્પિટલો – હોટલના બિલો તેમજ રોપવેની ટિકિટમાં 'હર ઘર તિરંગા'ના લોગોનો ઉપયોગ થઇ રહયો છે. સરકારી કચેરીઓમાં પણ 'હર ઘર તિરંગા'ના લોગો પત્ર વ્યવહારમાં ઉપયોગ શરૂ થઇ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ માટેની તિરંગાના વેચાણ કેન્દ્રો પણ શરૂ થઇ ગયા છે.

આ અંગે માહિતી આપતાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એન.ડી.વાળા અને રમત ગમત અધિકારી વિશાલ દિહોરાએ કહે છે કે, જૂનાગઢ જિલ્લામાં 'હર ઘર તિરંગા'નો કાર્યક્રમમાં વધુને વધુ લોકો પોતાના ઘરો, સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, દુકાનો, ઉદ્યોગ ગૃહોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેના સુચારૂ આયોજન માટે  જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ દ્વારા નિયમિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહયુ છે. જે અન્વયે અમે હોટલ એસોસીએશન, હોસ્પિટલોના પ્રતિનિધિઓની બેઠક કરીને 'હર ઘર તિરંગા'નો લોગો- સ્ટેમ્પનો નમુનો આપીએ છીએ. જે મુજબ તેઓ સ્ટેમ્પ બનાવડાવીને પોતાના બિલો- ટિકિટોમાં 'હર ઘર તિરંગા'નો લોગો લગાવે છે. આમ 'હર ઘર તિરંગા'ના અભિયાનને સ્વૈચ્છિક રીતે પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહયો છે. આ ઉપરાંત અનેક શાળામાં 'હર ઘર તિરંગા'ની ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા પણ યોજાઇ રહી છે.

જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા'ના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો આદેશ પણ કલેકટરશ્રીએ કર્યો હતો.

  સંકલન - પારૂલ આડેસરા

(માહિતી ખાતુ -જુનાગઢ)

(6:05 pm IST)