Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબીમાં અનેક જાહેર સ્‍થળે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા ગાયબ!!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબીમાં પાંચ વર્ષ પહેલાં મોટાભાગના મહત્‍વના તમામ રસ્‍તા તેમજ શહેર અંદર પ્રવેશ અને નીકળવાના મોટાભાગના માર્ગ ઉપર ૧૦૦ થી વધુ સીસીટીવી કેમેરા નાખવામાં આવ્‍યા હતા. તેનું મેઈન્‍ટસ માટે ત્રણ વર્ષનો કોન્‍ટ્રાકટ આપી આ સીસીટીવી કેમેરાનું એ ડિવિઝનમાં મોંનિટરિંગ થતું હોવાથી એ ડિવિઝન પોલીસ મથક સ્‍માર્ટ પોલીસ સ્‍ટેશન બન્‍યું હતું. જો કે ભૂતકાળમાં સીસીટીવી કેમેરા ગુનાખોરી રોકવામાં મહત્‍વના સાબિત થયા હતા. પણ છેલ્લા આઠ મહીનાથી શહેરના ઘણા બધા માર્ગો ઉપરના સીસીટીવી કેમેરા નીકળી ગયા છે કે ગુમ કરી દેવાયા છે એ તપાસનો વિષય છે. મહત્‍વના પોઇન્‍ટમાં ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, નવા બસ સ્‍ટેન્‍ડ, વિજય ટોકીઝ, સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે, રવાપર મેઈન રોડ ઉપર કેમેરા ગાયબ છે.

ઉપરના વિસ્‍તારો એકદમ ભીડભાડવાળા અને ભરચકક હોય અહિયાં ગુનો બને તો પોલીસને મોટી સફળતા મળતી . પણ ત્રીસરી આંખ જ કોઈકે ગાયબ કરી દીધી હોવાથી પોલીસે અપરાધીનું લોકેશન મેળવવામાં તકલીફ પડે છે. ઘણી જગ્‍યાએ એક બાજુ કેમેરા હોય અને બીજી બાજુ કેમેરા નીકળી ગયા છે. આથી ઉદ્યોગકારોએ કરેલો કરોડોનો ખર્ચ હાલ પાણીમાં ગયો હોય એવું ચિત્ર ઉપસ્‍યું છે. જો કે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ પોલીસે જે નવા કેમેરા નાખ્‍યા છે એ જ બચ્‍યા છે.બાકી લોકભાગીદારી નાખેલા કેમેરાનું આયુષ્‍ય ઘટી ગયું કે ઘટાડી દેવામાં કોઈનો હાથ છે એ પણ વેધક સવાલ છે.

સીસીટીવી કેમેરા મામલે ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્‍યું હતું કે પાંચ વર્ષ પહેલાં નાખેલા સીસીટીવી કેમેરાનો કોન્‍ટ્રાકટ ત્રણ વર્ષનો હોય હવે કોન્‍ટ્રાકટ પૂરો થઈ ગયો છે. હવે નવા કોન્‍ટ્રાકટ માટે કાર્યવાહી ચાલુ છે અને નવો કોન્‍ટ્રાકટ થશે ત્‍યારે ફરીથી કેમેરા અને મેઈન્‍ટસ કરાશે.

બીજી તરફ ગુનાખોરી રોકવા માટે આજના યુગમાં ડીઝીટલ માધ્‍યમ અગત્‍યનું છે. તેથી ગુનાની અને અપરાધીની એક પછી એક કડી મેળવવા માટે અગત્‍યના એવા સીસીટીવી કેમેરા મહત્‍વના પોઇન્‍ટ ઉપર નથી છતાં કોઈએ કેમ નોંધ ન લીધી કે જવાબદારોએ કેમ કોઈ યોગ્‍ય કાર્યવાહી ન કરી ? તે બાબત ઘણી ગંભીર છે. હાલમાં જ એક કેસમાં ઉમિયા સર્કલે કેમેરા ન હોવાથી પોલીસને મદદ મળી ન હતી. તેથી શહેરના સામાજિક કાર્યકરો, નેતા, તંત્ર, અધિકારી સહિતના જવાબદારોની ચુપકીદી સાધી લેતા ફરીથી શહેરમાં બધા જ મહત્‍વના પોઇન્‍ટ ઉપર કેમેરા લાગશે કે કેમ ? તે સવાલ છે.

(4:32 pm IST)