Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબીના ખરેડા ગામે દારૂ પીનાર અને વ્‍હેચનાર સામે ઢોલ ઢબુકયા..કાર્યવાહી થશે

હવેથી ગામમાં કોઈ દારૂ પીશે કે વેચશે તો ગ્રામ પંચાયત તેની સામે કાર્યવાહી કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪ : રાજ્‍યમાં લઠ્ઠાકાંડની ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાને લઈને ખાસ કરીને ગામડાઓમાં ગ્રામ પંચાયત અને સરપંચ જાગળત બન્‍યા છે અને તેમના ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા મેદાને આવ્‍યા છે. ત્‍યારે મોરબીના ખરેડા ગામમાં ગ્રામ પંચાયતે ઢોલ પીટીને આખા ગામમાં ફેરવી હવેથી ગામમાં કોઈ દારૂ પીશે કે વેચશે તો ગ્રામ પંચાયત તેની સામે કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી છે.

મોરબીના ખરેડા ગ્રામ પંચાયત પણ હવે લઠ્ઠાકાંડ બાદ ગામમાં દારૂના કારણે જાનમાલને કોઈ નુકશાન ન થાય તે માટે લોકોને દારૂથી દૂર રાખવા માટે અને દારૂબંધીનો અમલ કરવા આગળ આવી છે. ખરેડા ગ્રામ પંચાયતે આખા ગામમાં ઢોલ પીટી જાહેરાત કરાવી છે કે હવેથી ગામમાં દારૂ પીનારા કે વેચનારાની ખેર નહિ રહે. ખુદ ગ્રામ પંચાયત જ ગામમાં દારૂ પીનારા કે વેચનારા સામે પોલીસ કેસ કરશે. માટે હવેથી દારૂ વેચવો કે પીવો ભારે પડશે તેવી ગ્રામ પંચાયતે ચેતવણી આપી છે. જો કે દારૂબંધીના કડક અમલ માટે ગ્રામ પંચાયતો આગળ આવી રહી હોય એ દારૂના દુષણને સંપૂર્ણપણે ડામી દેવા માટે પ્રેરણાદાયી બાબત છે.

(1:36 pm IST)