Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબીમાં સિરામિક વેકેશનને લઈને ૧૫ ઓગસ્‍ટથી એક મહિનો તમામ ટ્રકો પણ બંધ રહેશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબી સીરામીક ઉધોગ દ્વારા ૧૦ ઓગસ્‍ટથી એક મહિનો સુધી તમામ એકમો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્‍યો છે. જેમો લોર્ડીગ બંધ રહેવાનું હોવાથી ટ્રક ટ્રાન્‍સપોર્ટને અસર પડે તેમ હોવાથી આ અંગે ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનની તાજેતરમાં મળેલી મીટીંગમાં ૧૫ ઓગસ્‍ટથી એક મહિનો સુધી તમામ ટ્રકો બંધ રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્‍યો છે.
મોરબી ટ્રક ટ્રાન્‍સપોર્ટ ઉધોગ મોટાભાગે સીરામીક ઉધોગ ઉપર જ નિર્ભર હોવાથી સીરામીકની વિપરીત અસરથી ટ્રક ટ્રાન્‍સપોર્ટને પણ અસર થાય છે. ત્‍યારે ગેસના ભાવ વધારો અને એક્‍સપોર્ટ તેમજ ડોમેસ્‍ટિક માર્કેટમાં ટાઇલ્‍સની ડીમાંડ ઘટી જતાં સતત ઉત્‍પાદનને કારણે માલનો ભરાવો થતા મોરબી સીરામીક એસોની ચારેય પાંખ દ્વારા ૧૦ ઓગસ્‍ટથી એક મહિનો સુધી ૮૦૦ જેટલી ફેકટરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને તા.૧૫ ઓગસ્‍ટથી લોડિંગ બંધ કરવામાં આવશે. આથી આ મામલે મોરબી ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસો. દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં સીરામીકના વેકેશનથી રો મટિરિયલની ગાડીઓ બંધ થઈ જશે અને લોડીગ બંધ થવાથી ટ્રકો આપોઆપ બંધ રાખવા પડે એમ છે. આથી તા.૧૫ ઓગસ્‍ટથી એક મહિનો સુધી તમામ ટ્રકો બંધ રહેશે તેવો નિર્ણય જાહેર કરાયો છે. તેમ મોરબી ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્‍યું હતું.

 

(11:34 am IST)