Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

કચ્છમાં લમ્પી સામે ઝઝુમતા પશુપાલકોની મદદે વન વિભાગ: લખપત તા.માં મેડિકલ કેમ્પ યોજાયો

લમ્પીના કારણે ગૌવંશના મોત અટકાવવા રસીકરણ, સારવાર તેમ જ પશુપાલકોની જાગૃતિ માટે વનવિભાગની પહેલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪

કચ્છ જિલ્લામાં ગાયોમાં ફેલાઈ રહેલા લમ્પી રોગ સામે લડત આપવા તેમજ આ રોગને અટકાવવા અને પશુપાલકોની મદદ માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લખપત તાલુકાના લાખાપર ,દેદરાણી તથા મોટા ભાડરા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયોના વેક્સિનેશન કાર્યક્રમ તેમજ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વેટેરનરી ડોક્ટર માર્ગદર્શન મુજબ ગાયોને સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી.

ગામ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવા માટે સમજ આપવામાં આવી હતી. આ સાથે રોગગ્રસ્ત ગાયોને જો છૂટી મૂકવામાં આવે અને જો તે જંગલ વિસ્તારમાં મૃત્યુ પામે અને જંગલી પશુઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો જંગલના પશુઓને પણ તકલીફ પડી શકવાની સંભાવનાઓ રહેલી છે. જેને ધ્યાને લઈ ગામ લોકોને રોગગ્રસ્ત ગાય જંગલમાં છૂટી ન મુકવાની સલાહ આપવામાં આવી હતી. વેટરનરી ડો. કે.એચ. આગલોડિયાના માર્ગદર્શન મુજબ રોગગ્રસ્ત ગાયોની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણશ્રી વિજય રાણાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જ દયાપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી.એન. દેસાઈ તથા રેન્જ ઓફિસના સ્ટાફે કામગીરી કરી હતી. દયાપર પશુ દવાખાનાની સમગ્ર ટીમ જીવીકે 1962ની પાંચ ટીમ અને સાથે સાથે ડીએમએફની એક ટીમ પણ જોડાઈ હતી. તમામ ટીમોએ શ્રેષ્ઠ સંકલન સાધીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

(9:46 am IST)