Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ટંકારાના હિરાપર ગામની પહેલઃ ફીની કડક ઉઘરાણી સામે ગામના ૩૦ બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો

ટંકારા : બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓ હાલમાં ખૂબ ઉત્તમ કામગીરી કરી રહી છે. ત્યારે ખાનગી શાળાઓ તરફ આંધળી દોટ મૂકી રહેલા વાલીઓ માટે ટંકારાનું હિરાપર ગામ ઉત્તમ ઉદાહરણ બન્યું છે. લોકડાઉન અને કોરોના મહામારી વચ્ચે પણ ખાનગી શાળાઓ દ્વારા તનતોડ ફી ઉઘરાવવામાં આવી રહી છે. ઉપરાંત ઓનલાઇન શિક્ષણને નામે ચાલતા ફીની કડક ઉઘરાણીને તિલાંજલિ આપવા ટંકારા તાલુકાનાં નાના ગામ હીરાપરએ સારી એવી પહેલ શરૂ કરતા ત્યાનાં તમામ બાળકો સરકારી શાળામાં જ ભણશે એવો નિર્ણય કર્યો હતો.

ગામનાં સરકારી શિક્ષકોએ શિક્ષિત યુવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષિત યુવાનો અને સરકારી શિક્ષકોએ વાલીઓને સમજાવી 30 બાળકોને ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જેનાં કારણે ટંકારાનું હીરાપર ગામ એવું ગામ બની ગયું છે કે જે ગામનાં તમામ બાળકો સરકારી શાળામાં જ અભ્યાસ કરતા હોય.

સરકારી શિક્ષકો અને શિક્ષિત યુવાનોનો અનેરો ફાળો

ટંકારાનાં ગામ હીરાપરનાં વાલીઓ સાથે સરકારી શાળાનાં શિક્ષકો અને શિક્ષિત યુવાનોએ મહત્વની ચિંતન બેઠક યોજી હતી. જે બેઠક બાદ ગામનાં તમામ બાળકોને હંમેશને માટે સરકારી શાળામાં જ ભણાવવા માટેનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો હતો. હીરાપરની અંદાજે 2000 વસ્તી છે.

આ બેઠકમાં આખા ગામે તમામ બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો. આ બેઠકમાં હીરાપરનાં રાકેશ ફેફર, રમેશ ફેફર, વિજય ફેફર, વ્રજલાલ સવસાણી અને સરકારી શાળાનાં શિક્ષક રીટાબેને વાલીઓ સાથે બાળકોનાં ભાવિ શિક્ષણમાં સુધારો લાવવા મહત્વની બેઠક યોજી હતી.

તમને જણાવી દઇએ કે બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ લઇ જવા માટેની જહેમત જી. પ્રા. શિક્ષણાધિકારી મયુર પારેખ, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઇ ફેફરે ઉઠાવી હતી.

ગામનાં 20 યુવાનોનાં સહયોગથી શિક્ષણ કમિટી બનાવાઇ

ગામનાં 20 જેટલા યુવાનોનાં સહયોગથી ખાસ શિક્ષણ કમિટી બનાવવામાં આવી છે. આ યુવાનો વાલીઓને સમજાવટની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન પણ આપશે. ઉપરાંત સરકારી શાળાના શિક્ષણના વિકાસ માટે પણ પોતાનું મહત્વનું યોગદાન આપશે.

(4:44 pm IST)