Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભાવનગરના પૂર્વ સાંસદ - પૂર્વ ધારાસભ્ય ગીગાભાઇ ગોહિલનું અવસાન : શકિતસિંહ ગોહિલ દ્વારા શોકાંજલી

ભાવનગર : ભાવનગર જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી તથા પૂર્વ સાંસદ - પૂર્વ ધારાસભ્ય ગીગાભાઇ ગોહિલનું અવસાન થતાં ઘેરો શોક છવાયો છે.

ભાવનગરના માજી સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી ગીગાભાઈ ગોહિલના દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા છે. સ્વ.ગીગાભાઈ ગોહિલ પંચાયતોના ત્રણેય સ્તર એટલે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરી ચુકયા હતાં. રાજય સરકારના મંત્રી તરિકેથી લઈને લાંબા સમય સુધી લોક સભાના સભ્ય તરિકે સેવાઓ આપી હતી. ભાગ્યેજ કોઈ જનપ્રતિનિધિ ગ્રામ પંચાયતના સરપંચથી લઈને તમામ સ્તર પર પ્રતિનિધિત્વ કરી શકવા માટે સદભાગી બનતા હોય છે. સ્વ. ગીગાભાઈને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ તરિકેના તેમના કાર્યકાળ દરમ્યાન ગરીબ વ્યકિતઓને મફત પ્લોટ આપવાના કાર્યક્રમોમાં ભાવનગર જિલ્લાએ રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એ જ બતાવે છે કે સ્વ. ગીગાભાઈની ગરીબો પ્રત્યેની લાગણીઓનું સૌથી મોટુ પ્રમાણપત્ર છે.

સ્વ. ગીગાભાઈ ગોહિલને કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા શકિતસિંહ ગોહિલે શોકાંજલિ અર્પતા ઉપરોકત બાબતે જણાવ્યુ હતું.

(11:36 am IST)