Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જામનગરની કાલીન્દ્રી શાળામાં શિક્ષિકાને સમાધાન માટે બોલાવી ફડાકા ઝીક્યાં :જાતીય સતામણીની પણ ચર્ચા

ત્રાસને કારણે રાજીનામુ આપ્યા બાદ પણ ટ્રસ્ટીઓ-સંચાલકો લાજવાને બદલે ગાજ્યા

 

જામનગર:શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલી કાલીન્દી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ સંચાલકોની કામગીરીથી નારાજ થઈને રાજીનામુ આપ્યું હતું એક ચર્ચા એવી પણ છે કે શાળાના એક ટ્રસ્ટીએ શાળાની શિક્ષિકા સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું શિક્ષિકાએ પ્રતિકાર કરતા અને વાત વણસી જતાં ટ્રસ્ટીએ સમાધાન માટેના પ્રયાસો કર્યા હતાં. સમાધાન અર્થે બોલાવી ટ્રસ્ટીએ તેણીને ફડાકા ઝીકીને તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રડતી-રડતી પોલીસ દફતરે પહોચી શિક્ષિકાની ફરિયાદ નોંધી પોલીસે ટ્રસ્ટીની શોધખોળ હાથ ધરી છે.

   ચર્ચાતી વિગત મુજબ કાલીન્દી શાળામાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા દરમિયાન શાળાના ટ્રસ્ટીએ શિક્ષિકા પર નજર બગાડી એક દિવસ ઓફીસમાં બોલાવી પોતાની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યુ હતું. ટ્રસ્ટીના વર્તનની સામે શિક્ષિકા તાબે નહીં થતાં આરોપીએ ઓફીસમાં રહેલ ક્રિકેટનું સ્ટમ્પ ઉપાડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તેણીએ શાળામાંથી રાજીનામુ આપી દીધુ હતું.

  દરમિયાન ગઇકાલે શાળાના લંપટ ટ્રસ્ટીનો તેણી પર ફોન આવ્યો હતો અને સમાધાન માટે કહ્યું હતું. જેથી તેણી તેના પતિ સાથે માધવરાય મંદિર પાસે પહોચ્યા હતાં. જ્યાં કારમાં આવેલા ટ્રસ્ટીએ જીભાજોડી કરી વાત શાળાના અન્ય શિક્ષિકાને કેમ કરી એમ કહી વાણી-વિલાસ આચરી ફડાકા ઝીકી દીધા હતાં. ટ્રસ્ટીના વર્તન સામે તેના પતિએ વચ્ચે પડતા તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

   બનાવ બાદ મહિલાએ તુરંત જિલ્લા પોલીસ વડાને ફોન કરી સમગ્ર હકિકત જણાવી હતી. એસપીના સુચના પ્રમાણે તેણી તેના પતિ સાથે ડિવિઝન પોલીસ દફતરે પહોંચ્યા હતાં. જ્યાં ડીવાયએસપી સૈયદ અને પીઆઇ રાઠોડ સામે રડતા-રડતા તેણીએ ટ્રસ્ટીના વર્તન અંગેની ફરિયાદ નોંધાવી હતી. બનાવના આધારે પોલીસ દ્વારા ટ્રસ્ટીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

(9:27 pm IST)