Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજ્યમાં મગફળીકાંડના તાર મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા છેઃ પરેશભાઇ ધાનાણી

ગોંડલ તા. ૪ : ગોંડલ ના ઉમવાડા રોડ ઉપર આવેલ રામરાજય જીનિંગ ના ગેઇટ પાસે છાવણી નાખી આજે ધરણા કરી રહેલ કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ છેલ્લા છ થી સાત માસ દરમિયાન મગફળીના ગોડાઉન સળગવા મગફળીની બોરીઓમાં ધૂળ અને માટી નીકળવા બાબતે કૌભાંડ આચરાયું હોય આ મગફળી કૌભાંડના તાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલ હોવાનું જણાવી આડકતરી રીતે મગફળી કૌભાંડ માટે વિજયભાઈ રૂપાણીને જવાબદાર ઠેરવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ઉમવાડા રોડ ઉપર આવેલ રામરાજય જીનિંગ મિલ ગોડાઉન ખાતે ગુજકોટ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલ આશરે ૨૮ કરોડના મગફળીના જથ્થામાં આગ લાગ્યાની ઘટના બાદ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભીનું સંકેલી લેવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ અને પેઢાલની ઘટના બાદ સફાળી જાગેલ કોંગ્રેસ દ્વારા આજે ગોંડલ રામરાજય જીનિંગ મિલ ખાતે વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી ની આગેવાનીમાં ધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પરેશભાઈ ધાનાણી એ જણાવ્યું હતું કે ગુજરાતના વિપક્ષ દ્વારા છેલ્લા સાત આઠ માસથી અમારા દ્વારા રાજયસરકાર ને મગફળી કાંડનું સત્ય બહાર લાવવા રજૂઆતો કરવામાં આવી રહી હતી અને છેલ્લે રાજય પાલને પણ અરજ કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પગલાં ના લેવાતા અને સરકાર દ્વારા ભ્રષ્ટાચારી ઓ ને છાવર વાનો પ્રયત્ન કરતા આખરે આંદોલન નું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે.

ગુજરાતની જનતા અને ખેડૂતો વતી કોંગ્રેસ રાજય સરકાર પાસે માંગ કરી રહી છે કે રાજયના ૨૫૦ જેટલા ગોડાઉનો માં રખાયેલ ટેકાના ભાવની મગફળી માં સીટીંગ જજ, આગેવાનો, મીડિયા ની હાજરીમાં ૫ ટકા રેન્ડમલી મગફળીની બોરીઓ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જાય.

લોકશાહી માં લોકોને સવાલ પૂછવાનો અધિકાર છે, રાજય સરકાર દ્વારા વિરોધ ના અવાજ ને દબાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પોલીસ ને પપેટ બનાવી ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, ફરિયાદીને આરોપી બનાવી કઢધરા માં ઉભા રાખવામાં આવી રહ્યા છે, ગોંડલ ખાતે પણ અમોને મંજુર આપવામાં આવી નથી જે રાજય સરકારની માનસિકતા છતી કરે છે.ગુજરાતમાં ટેકનભાવે ૪૦૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, ગુજરાત ની નિવડેલ સંસ્થા ને બદલે ભાજપ પાર્ટી સાથે જોડાયેલ સંસ્થાને ટેકાના ભાવની મગફળી ખરીદી કરવાની કામ સોંપવામાં આવ્યું હતું.

ગોડાઉન રાખવામાં પણ નીતિ નિયમોનું પાલન થયું નથી, રાજયમાં પાંચ ગોડાઉન સળગ્યા, સરકારે ૯૦૦ ના ભાવે મગફળી ખરીદી જેના ઉપર ખર્ચ ચડાવતા રૂ ૧૩૫૦ માં પડી છે અને હાલ વેપારીઓને દબાણ કરી ૪૦ ટકા મગફળીનો જથ્થો વેચી નાખી ભરષ્ટાચાર ઉપર પડદો પડવાની કોશિષ કરવામાં આવી છે.

ધરણા માં કોંગ્રેસી અર્જુનભાઇ ખાટરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, વિરેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ મીડિયા સેલ ના દિનેશભાઇ પાતર, જિલ્લા પંચાયતના સદસ્યો, ગોંડલના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો, અનિલભાઈ માધડ ભાવેશભાઈ ભાષા, દિનેશભાઈ સોજીત્રા, લલીતભાઈ પટોળીયા તેમજ મહિલા કોંગ્રેસના ધરણાં જોડાયા છે.(૨૧.૨૦)

(4:20 pm IST)