Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બાંટવાનાં મુક સેવક કીરીટ બારોટે દરીદ્રનારાયણની સેવામાં કર્યુ જીવન સમર્પિત

દાતારબાપુની જગ્યામાં વોટરકુલરની સુવિધામાં વધારો કરવા કીરીટભાઇ બન્યા નિમિત્ત્। કીરીટ બારોટ માનસીક સંતુલન ગુમાનાર પાગલોની કરે છે સેવાસુશ્રુસા

જૂનાગઢ, તા.૪: ગરીબી એટલે જીવન માટે જરૂરી વસ્તુઓ જેમ કે, આહાર, રહેઠાણ, વસ્ત્ર પ્રાપ્ય ન હોય તેવી સ્થિતિ. સૌંદર્યની જેમ ગરીબીને ઓળખવી સહેલી છે પણ તેની વ્યાખ્યા કરવી અને તુલના કરવી ખૂબ અદ્યરી છે. ગરીબ પરીવારોની જરૂરીયાતો અને તેના બાળકોની પાયાની આવશ્યકતાઓની ખેવના સરકારતો વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા અમલી બનાવી રહી જ છે. આમ છતાંય કયાંક આવા ગરીબ, માનસીક અસંતુલીત માનવીઓની વહારે કોઇ લોકસેવાનો ભેખધારી આવીને બુજાતા દિવડામાં દિવેલની ભુમીકા ભજવી જાય છે.

આવી જ વાત માણાવદર તાલુકાનાં બાટવા ગામના કીરીટભાઇનાં જીવન પ્રવૃતિઓથી જોવા મળી રહી છે. નગરપાલીકામાં ચોથાવર્ગનાં કર્મચારી તરીકે સેવા કરતા કીરીટભાઇનાં ફરજ ઉપરાંત બાટવામા થતી લોકસેવાની પ્રવૃતિને નિરખવા જેવી ખરી.......મુળ માણાવદર તાલુકાના રફાળા ગામનાં વતની બાલુભાઇ બારોટનાં ૩૫ વર્ષિય પુત્ર શ્રી કીરીટભાઇ નજીવો શૈક્ષણીક અભ્યાસ કરી બાટવાની નગરપાલીકામાં પાંચ વર્ષ અગાઉ પટાવાળાની નોકરી સ્વીકારી પરીવારની આર્થિક જવાબદારીમાં જોડાયા, પણ કીરીટભાઇને તો માત્ર માતા-પિતા જ પરિવાર નહોતો તેને તો હતુ આખુ ગામ એક પરીવાર અને ગામમાં કોઇ ભુખ્યુ સુવે તે કીરીટભાઇને કેમ પાલવે, બસ આ વિચાર માત્રથી કીરીટભાઇએ ગરીબો અને ભુખ્યાની સેવાનો મનસૂબો મનોમન દ્યડી કાઢ્યો, ગામમાં એવા કોણ અને કેટલા વ્યકતી છે કે જેને સમયે જમવાનું મળતુ નથી, ભુખ્યા, પાગલ, કપડાથી વંચિત નિરાધાર લોકોની તપાસ કરતા બાટવામાં છ જેટલા માનસીક બિમાર વ્યકતી રહે છે અને તે પણ બીજા રાજયની ભાષા જ બોલતા હોવાથી વાતચિત કે બોલીચાલીથી તેમની જરૂરતો સમજવી દ્યણી મુશ્કેલ બને છે. ઉપરાંત ગામમાં ૩૦ જેટલા ગરીબ વૃધ્ધો જોવા મળ્યા કે જેની શારીરીક અવસ્થા અને આર્થિક સ્થીતી સહાય માંગતી હતી. વૃધ્ધ અશકત ગરીબો અને પાગલોની સેવા કીરીટભાઇને હૈયે લાગી ને બસ દરરોજ નિયમિત તેમને ખવડાવવા, નિયમિત સ્નાન કરી સુધડ વસ્ત્રો પ્રદાન કરવાની કામગીરી કરવાની શરુઆત કરી અને આ પ્રવૃતિમાં ગામનાં સમાજશ્રેષ્ઠીઓનો સહયોગ સાંપડતો ગયો, આજે ૪૦ જેટલા ટીફીન ઘરે ઘરેથી મેળવીને જરૂરીયાતમંદ વ્યકિતને ભોજન પીરસીને કીરીટભાઇ જમાડે છે. સાથે પાગલ વ્યકિતને બાલદાઢી કરવા, તેને સ્નાન કરાવી સુદ્યડ વસ્ત્રો પહેરાવવાની કામગીરી તો ખરી. આવી દોડધામની પ્રવૃતિમાં ગામનાં વેપારીઓનો સંપુર્ણ સહયોગ, ગામમાંથી કોઇ પણ વેપારીને કહેવાય કે આજે આ વસ્તુ કે આટલી નાણાકીય આવશ્યકતા છે તો એક પળનાં વિલંબ વિના કીરીટભાઇની સેવાપ્રવૃતિમાં બાટવાના વેપારીઓ અને ગ્રામજનોનો સહયોગ મળી રહ્યો છે. ગામની બહેનો જયારે કીરીટભાઇ ટીફીન લેવા તેમના દ્યરે જાય ત્યારે પરિવારનાં સભ્ય જેટલું માન સન્માન આપી હોંશેથી ટીફીન ભરી આપે છે. ટીફીન ભરાય ત્યાં સુધીમાં ઉનાળો હોય તો કીરીટભાઇને લીંબુ સરબત કે દહીં થી બહેનો  તેનું સન્માન કરે છે. જયારે કીરીટભાઇને બહારગામ જવાનું બને ત્યારે આ કામગીરી કોણ સંભાળે એ પ્રશ્નનો ઉકેલ પણ કીરીટભાઇએ કરી આપ્યો છે કે ગામની ભોજનશાળામાં રોકડા નાણા આપી ભુખ્યા ગરીબો અને મનોરોગીને સમયસર ભોજન પહોંચી જાય છે.

જરૂરીયાતથી વધારે કોઇ દાતા આપે તો પણ કીરીટભાઇ હસતા હસતા કહે કે બાપા મારે જોઇશે તો કહીશ અત્યારે ઘણું છે. આવી સંતોષી વાત કરતા કીરીટભાઇને બાંટવાનાં બાબુભાઇ રાઠોડે તેમની વહાલસોયી દિકરી શિવાનીબેનનાં અકસ્માતે થયેલ નિધનથી તેમની સ્મૃતિમાં આ સેવા યજ્ઞમાં કઇંક સહયોગી બનવાની મહેચ્છા વ્યકત કરી તો કીરીટભાઇ કહે કે સાહેબ ટીફીન સેવા તો બાટવાની બહેનો જ પુરી કરી દે છે હું તો વાહક છુ ગરીબો અને વૃધ્ધો તથા પાગલને જમાડવાનું જ કામ કરૂ છુ. આપને જો સેવામાં યોગદાન આપવુ હોય તો ગરવા ગિરનારની જાત્રાએ આવતા તીર્થયાત્રીઓને દાતાધામ ખાતે જો એક વોટર કુલર મુકાવી આપો તો શીતળ જળ જેમ યાત્રીને ઠૈડક આપશે તેમ આપની વ્હાલી દીકરીનાં આત્માને ચિરકાળ શાંતી પહોંચશે.બસ આટલા શબ્દો કાફી હતા બાબુભાઇ રાઠોડ અને તેમના ધર્મચારીણી રાધાબેન માટે અને પહોંચતુ કર્યુ ફ્રીજર દાતારધામે અને માનવધર્મ બજાવવા સેવાયજ્ઞમાં જોડાયા,      

કીરીટભાઇ બારોટ મનોવિકલાંગ લોકોની સેવાને સર્વસ્વ માને છે. બાટવામાં અસ્થિર મગજનાં રડતુ ભટકતુ જીવનબસર કરતાં વ્યકિતઓની સેવા એ જ પ્રભુસેવા છે. કીરીટભાઇએ જણાવ્યું હતું કે બાળપણમાં હું જયારે પ્રાથમિક  શાળામાં ભણતો હતો ત્યારે ભકત કવિ નરસીંહ મહેતાનું  શ્નવૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રેલૃઆ શબ્દો મારા મન પર અસર કરી ગયા હતા.મને એમ થયુ કે મારા જુનાગઢનો પડપીડામાં સહાયકારી બનવાનો નાદ હું કેમ ના બનુ બસ ત્યારથી હું વૈષ્ણવ બન્યો અને મારા ગામમાં ગરીબો, જરુરીયાતમંદોની સાથે માનસીક અસ્થીર મનોરોગીઓને સમજાવવા, તેમની સારવાર કરવા આ લોકોને હું કઈ રીતે મદદરૂપ થાવ એ વિચારો મગજમાં ઘુમ્યા કરતા હતા. નાની ઉમરથી જ પાગલ વ્યકિતઓને રહેવા-જમવાનો કોઈ મેળ ન હોય. તેમને નવડાવવાથી લઇને ગંદકી સાફ કરવી બધું જ કામ જાતે કરૂ છુ. બધાંને નવડાવવા, જમાડવા, કપડાં ધોવાં, વાળ કાપવા, નખ કાપવા બધાં જ કામ હું મારી જાતે કરુ છું.  કીરીટભાઇ બારોટનાં પિતાશ્રી બાલુભાઇ લોકસંસ્કુતિમાં ભજન અને સંતવાણીનાં ઉંચાગજાના આટીસ્ટ હોવાના નાતે લોકસેવાની વારસાઇ મેળવેલ કીરીટભાઇની સેવા સરવાણીમાં સદૈવ ઉંજણ મળતુ રહે અને ઇશ્વર તેમની સેવાની ધુણી કાયમ જલતી રાખે એવી બાટવાનાં લોકોની જીહ્યાએ સાંભળવા મળે છે. વધુ વિગતો માટે કીરીટભાઇ બારોટનાં(મો. ૭૮૭૪૫૨૫૨૬૫)સંપર્ક કરવા જણાવ્યું છે.(૨૨.૩)

(12:40 pm IST)