Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જુનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ ઉપર સસ્પેન્શનની તોળાતી તલવાર

પોલીસના લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત થયેલ સફાઇ કામદાર મંડળના પ્રમુખ જે.બી. ચુડાસમા સારવારમાં

જુનાગઢ : તસ્વીરમાં ઇજાગ્રસ્ત સફાઇ કામદાર મંડળના પ્રમુખ નજરે પડે છે.(તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) 

 જુનાગઢ, તા. ૪ :  જુનાગઢ મનપાના કર્મચારીઓની હડતાળ આજે પણ જારી રહી છે. બીજી તરફ આવશ્યક સેવાના કર્મીઓ પર સસ્પેન્શનની તલાવર તોળાય રહી છે.

૭મા પગાર પંચનો લાભ આપવાની માંગ સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ બુધવારથી હડતાળ પર છે ગઇકાલે કોર્પોરેશન પાસેથી છાવણી દૂર કરવામાં આવેલ અને પોલીસે બળપ્રયોગ કરતા કેટલાંક કર્મચારીઓને નાની-મોટી ઇજા થઇ હતી.

જેમાં સફાઇ કામદાર મંડળના પ્રમુખ જે.બી. ચુડાસમાને પગનાં ભાગે ઇજા થતા તેઓ આજે પણ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દરમિયાનમાં મનપાનાં આસી. કમિશનર જયેશ વાજાએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે તંત્ર અને લોકોને બાનમાં લેવાનું યોગ્ય નથી. આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને કમિશનર શ્રી પ્રકાશ સોલંકીએ ફરજ પર હાજર થવાની નોટીસ પાઠવી છે અને આજે આ કર્મચારીઓ હાજર નહિ થાય તો તેમની સામે સસ્પેન્શનના પગલાની તજવીજ હાથ ધરવામાં આવશે.

શ્રી વાજાએ વધુમાં જણાવેલ કે, સફાઇ સહિતની સેવાઓ યથાવત છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાલુ છે સફાઇ કામને અસર થાય નહિ તે માટે વધુ ર૪૦ કામદારોની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ પાણી વિતરણ વ્યવસ્થા એપ્રેન્ટીસો સંભાળી રહ્યા છે. સ્ટ્રીટ લાઇટોમાં ટાઇમર હોવાથી કોઇ મુશ્કેલી નથી. મનપાની આર્થિક સ્થિતિ નબળી છે આમ છતાં બાનમાં લેવાની નીતિ યોગ્ય નથી તેમ આસી કમિશ્નર જયેશ વાજાએ જણાવ્યું હતું.

બીજી તરફ કર્મચારી યુનિયનનાં અગ્રણી દેવાંગ જોશીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, કોર્પોરેશન કચેરી પાસેથી હટાવવામાં આવતા કાળવા ચોક ખાતે છાવણી શરૂ કરી આજે ચોથા દિવસે પણ કર્મચારીઓની હડતાળ યથાવત છે.

શ્રી જોશીએ પોલીસનાં લાઠીચાર્જ અંગે આક્રોશ વ્યકત કરતાં જણાવેલ કે, કમીશનરના દબાણથી પોલીસે બળપ્રયોગ કર્યો હતો. તેથી તેમની સામે પોલીસ ફરીયાદ  નોંધાવવાની વિચારણા થઇ રહી છે અને ૭મા પગાર પંચને લઇ કર્મચારીઓની હડતાળ શાંત અને અહિંસક રીતે ચાલુ રાખવામાં આવશે.

(12:29 pm IST)