Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કચ્છની બોર્ડર ઉપર તૈનાત BSFના જવાનો માટે રાહતના સમાચારઃ કચ્‍છ યુનિવર્સિટીના ભૂસ્‍તરશાસ્ત્ર વિભાગને સફેદ રણમાંથી મીઠુ પાણી શોધવામાં સફળતા

ભુજઃ કચ્છના સફેદ રણની જમીનમાં મીઠું પાણી મળી આવ્યું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના હેડ એમ જી ઠાકર અને કચ્છ જિલ્લાના ચીફ હાઈડ્રોલોજિસ્ટ નરેશ ગોરના સંયુક્ત પ્રયાસથી આ પાણી શોધી શકાયું છે. આ બંનેએ વર્ષ 2012થી કચ્છના રણમાં પાણી શોધવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો. જેના માટે તેઓએ રણની જમીનના 50 મીટર ઉંડેથી સેમ્પલ લઈ તેનું વિશ્લેષણ કરતા હતા. તેઓ એ રણ વિસ્તારમાં એવી જગ્યા શોધતા હતા જ્યાં હજારો વર્ષ પહેલા વૃક્ષો ઉગતા હોવાની કે પછી દરિયો કે નદી હોવાની શક્યતા હોય. એમ જી ઠાકરે જણાવ્યું કે, ‘અમે 50 હજારથી લાખ વર્ષ જૂના કાંપના સેમ્પલનું વિશ્લેષણ કરવા અમે કાર્બન ડેટિંગ પદ્ધતિ અને ઓપ્ટિકલી સ્ટિમ્યુલેટેડ લ્યુમિનિટેશન્સનો ઉપયોગ કર્યો.

કચ્છના રણમાં વર્ષો પહેલા કઈ જગ્યાએ નદી વહેતી હતી તે શોધવા આ બંને સંશોધનકર્તાઓએ નાસા અને ઈસરોની રિમોટ સેન્સિંગ એજન્સીમાંથી તસવીરો મેળવી અને તેનો અભ્યાસ કર્યો. તેમણે એવી જગ્યાઓ પણ શોધી જ્યાં ભૂતકાળમાં નદી વહેતી હોવાના પુરાવા હોય. તેમણે બાડિયાબેટ, મોરી બેટ અને ત્રાંગડી બેટ નજીક ડ્રિલિંગ કર્યું કે જ્યાં પાણી હોવાના પુરાવા મળ્યા હતા. તેમાંથી એક બીએસએફની બાડિયાબેટ હિચ પોસ્ટ નજીક આવેલી જગ્યા પણ છે. એમ જી ઠાકરે જણાવ્યું કે, ‘દરિયાના પાણીનું ટીડીએસ લેવલ 50,000 થી 60,000 રૂપિયા છે, જ્યારે પીવાના પાણીમાં ડીટીએસ લેવલ 500 હોય છે. અમને અહીં જે પાણી મળ્યું છે તેમાં ડીટીએસ લેવલ 4200 છે, જે સહેલાઈથી ફિલ્ટર કરી શકાય છે અને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

કચ્છ યુનિ.ના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના હેડ એમ જી ઠાકર,કચ્છના ચીફ હાઈડ્રોલોજિસ્ટ નરેશ ગોર અને તેમની ટીમ કચ્છના ચીફ હાઈડ્રોલોજિસ્ટ નરેશ ગોરે જણાવ્યું કે, ‘અમારા રિઝલ્ટ મુજબ, ‘5000થી 7000 વર્ષ પહેલા કચ્છના રણમાં સિંધુ નદી વહેતી હતી અને તે પછી તેણે પોતાનું વહેણ બદલ્યું. અમે પાણીનો આ સોર્સ શોધ્યો છે તે બીએસએફના જવાનને પીવાનું પાણી પુરું પાડી શકે છે. તેમને દરરોજ લગભગ 1 લાખ લીટર પાણીની જરૂર પડે છે, જે હાલમાં ટેન્કર દ્વારા પુરું પાડવામાં આવે છે.ખાવડાથી ભરાઈને આવતા એ ટેન્કર રણમાં 150 કિમી અંદર સુધી બીએસએફની ચોકીઓ સુધી પાણી પહોંચાડે છે. બીએસએફના જવાનોને આખું વર્ષ પીવાના પાણીની મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંની જમીન ખારી હોવાથી પાણી પાઈપ લાઈન નાંખવી મુશ્કેલ છે.

(12:28 pm IST)