Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જુનાગઢની ગિરનાર તળેટી વિસ્તારમાં આવેલી કન્યાશાળા નં. ૪માં ઉંધો ટ્રેન્ડઃ છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળામાંથી ૪૦૦ બાળકોઅે અેડમિશન લીધુઃ સરકારી શાળા પ્રત્યે આકર્ષણ જગાડવા આચાર્ય તરૂણ કાટબામણા અને શિક્ષકોની મહત્વની ભૂમિકાઃ વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધા ઉપલબ્ધ

જુનાગઢઃ આખા રાજ્યમાં જ્યારે ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે મા-બાપ તલપાપડ છે અને તેમાં ગરીબ મા-બાપ પણ બાકાત નથી ત્યારે જુનાગઢની એક શાળાએ નવો રાહ ચિંધ્યો છે. જુનાગઢમાં આવેલી કન્યાશાળા નંબર ચારમાં ઉંધો ટ્રેન્ડ ચાલે છે. ગિરનાર તળેટી વિસ્તારમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળામાં ભણતા 400થી વધુ બાળકોએ આ સરકારી શાળામાં સ્થળાતંર કર્યુ છે.

આમ થવા પાછળનાં ઘણાં કારણો છે. જુનાગઢનાં પછાત ગણાતા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા પ્રત્યે આકર્ષણ જગાડવા પાછળ શાળાના આચાર્ય તરુણ કાટબામણા અને શાળાના શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. તરુણ કાટબામણા એક ઇનોવેટિવ શિક્ષક છે અને તેમના મૌલિક વિચારોથી તેમની શાળા અન્ય સરકારી શાળાઓ માટે ઉદાહરણરૂપ બની છે.

શાળાના આચાર્ય તરુણ કાટબામણા શરૂઆતના દિવસોને યાદ કરતા કહે છે, “હું જ્યારે 2012માં અહીંયા આચાર્ય તરીકે આવ્યો ત્યારે મે જોયુ કે, બાળકોના નામ તો હતા હણ નિશાળે આવતા નહીં. આ વિસ્તારમાં રહેતા ગરીબ અને અભણ એટલે તેમના સંતાનો નિશાળા જાય કે ન જાય એની બહુ ચિંતા કરતા નહીં. પણ અમે આ બાળકોની ચિંતા કરવાની શરૂ કરી અને જે છોકરાઓ નિશાળે ન આવ્યા હોય તેમના ઘરે જનતા રેડકરવાની શરૂઆત કરી. જનતા રેડ એટલે કે, સૂતેલા બાળકોને તેમના ખાટલામાંથી જ ઉપાડી નિશાળે લઇ આવવાના. અહીંયા અમે તેમને નવરાવી, તેમને માથુ ઓળી વર્ગખંડમાં બેસાડી દેતા હતા. એકાદ વર્ષ આવું કર્યુ. તેમના મા-બાપને પણ લાગ્યુ કે, શિક્ષકો તેમના સંતાનોની ચિંતા કરે છીએ. એટલે બાળકોની હાજરી વધવા લાગી.

બીજુ કે, શાળામાં બાળકો નાસ્તામાં વેફરના પડીકા લઇને ખાતા. આનાથી બાળકોનું આરોગ્ય તો જોખમાય પણ સાથે સાથે શાળામાં પ્લાસ્ટિકનો કચરો પણ થતો હતો. પર્યાવરણને નુકશાન થતુ. અમે પ્લાસ્ટિકના પેકેટમાં આવતી વેફર પર પ્રતિબંધ મૂક્યો અને શાળામાં જ નાસ્તા ભંડાર શરૂ કર્યો. જેમાં પ્રોટિનયુક્ત આહાર ટોકનદરે આપવાનો શરૂ કર્યો. જેમાં ખાસ કરીને ચણા, દાળીયા વગેરે. માત્રા પણ વધારે આપીએ એટલે બાળક ધરાઇને ખાય. બીજુ, અમે શાળાના આંગણમાં આયુર્વેદિક છોડ વાવ્યા. આ છોડવાના પાન બાળકોને રોજ ખવડાવી દઇએ. અમારા સ્વાર્થ એ હતો કે બાળકોનું આરોગ્ય સારુ હશે તો તે નિશાળ રોજ આવશે. અમારો હેતુ બર આવ્યો. બાળકો નિયમીત નિશાળે આવતા થયાશાળાના આચાર્ય તરુણ કાટબામણાએ વિગતે વાત કરતા કહ્યું.

શાળાના આચાર્ય પોતે કેલિગ્રાફી શીખવે છે. બાળકોના અક્ષર સારા થાય એ માટે છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં વિશેષ ધ્યાન આપે છે. આ શિવાય, બાળકોના વાલીઓ માટે, શાળામાં વિશેષ વિજ્ઞાન પ્રદર્શન યોજે છે. જેમાં બાળકો તેમના વિજ્ઞાનના પ્રયોગ પ્રદર્શિત કરે. મા-બાપ પણ તેમના સંતાનોની પ્રગતિ જોઇ ખુશ થાય.

શાળામાં બાળકોનું નામાકંન અને ગુણાકંન અને વિશેષ કરીને જુનાગઢમાં ખાનગી શાળાઓમાંથી મા-બાપ તેમના સંતાનોને આ સરકારી શાળામાં મૂકતા થયા તે માટેના તરુણ કાટબામણાના મૌલિક પ્રયોગ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) અને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમના પ્રયોગોની નોંધ લેવામાં આવી છે.

કોઇક કારણોસર બાળકો શનિવારે ઓછા આવતા. આવુ શા માટે થતુ તે મને ખબર ન પડી પણ મેં એક આઇડિયા અજમાવ્યો. શનિવારે બાળકોએ ન જોઇ હોય એવી ફિલ્મ બતાવવાની શરૂ કરી. હા, પણ આખી ફિલ્મ બતાવવાની નહીં. આઠ-કટકામાં ફિલ્મ બતાવવાની. એટલે, ફિલ્મનો આગળનો ભાગ જે બાળકે જોવો હોય તેણે આગલા શનિવારે આવવુ પડેને! આમ કરવાની શનિવારની હાજરી વધી ગઇતરુણ કાટબામણાએ તેમના પ્રયોગ વિશે વાત કરતા કહે છે.

રસપ્રદ વાત એ છે કે, શહેરી વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં જુનાગઢ કન્યા શાળા નંબર ચાર કદાચ એક એવી શાળા હશે જેની પાસે એક વિશેષ સ્કૂલ બસ છે જેમાં બાળકોને લાવવા-લઇ જવામાં આવે છે. આ બસની માલિકી ખાનગી છે પણ આ શાળાના બાળકો માટે જ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે અને આ બસ પર કન્યા શાળા નંબર ચાર એમ લખેલુ પણ છે. બસ ખાનગી પણ આ સંચાલકે આ શાળા માટે જ બનાવી છે અને તેના માટે જ ઉપયોગ કરે છે.

રવિ જેઠવા અને તેની બહેર પૂજા ગયા વર્ષ સુંધી ખાનગી શાળામાં ભણતા પણ આ વર્ષે બંનને તેમના પરિવારે આ સરકારી શાળામાં દાખલ કર્યા. તેના દાદા હીરાભાઇ જેઠવાએ કહ્યું કે, જે ખાનગી શાળામાં આ બે બાળકો ભણતા હતા ત્યાં શિક્ષકો બાળકોને મારતા હતા અને શિક્ષણ પણ નબળુ હતું. અમે સાંભળ્યુ કે, આ સરકારી શાળામાં શિક્ષણ સારું છે. વળી, અહીયા શિક્ષકો અમારા બાળકોને માવતરની જેમ રાખે છે. પ્રેમ આપે છે

તરુણ કાટબામણા કહે છે કે, “અમે દરેક બાળકને વ્હાલ કરીએ છીએ. તેમને હુંફ આપીએ છીએ. આ શાળામાં 40 જેટલા એવા બાળકો છે કે, જેમાં ક્યાં તો તેમના મા અથવા બાપ નથી અથવા બેય નથી. આવા સંતાનોને વિશેષ રીતે રાખવા અને ભણાવવા એ અમારી જવાબદારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ સરકારી શાળામાં નવતર પ્રયોગો કરીને બાળકોને આકર્ષવામાં ન આવ્યા હોત, તો કદાચ સંખ્યા ન થવાને કારણે આ શાળા બંધ થઇ ગઇ હોત, પણ પાંચ વર્ષના અથાક પ્રયત્નોને અંતે, આજે આ શાળા ધમધોકરા હાલે છે અને આજુબાજુની ત્રણ ખાનગી શાળાઓ બાળકો ન મળતા બંધ થઇ ગઇ!. છેને કમાલ ?

(9:10 am IST)