Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ખોડાપીપરમાં સજોડે ઝેર પી લેનાર પરપ્રાંતિય દંપતિ ખંડિતઃ સગર્ભા પત્નિએ દમ તોડ્યો

મુળ એમપીનો યુવાન પત્નિ સાથે ધ્રોલના માવપર ગામે રોકાયો હતોઃ પરત પોતાની ઘરે આવવા બાબતે ઝઘડો થતાં બંનેએ પગલુ ભર્યુ હતું

રાજકોટ તા. ૪: પડધરીના ખોડાપીપરમાં પરષોત્તમભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીના ચેતન વિરસીંગભાઇ અમલીયા (ઉ.૨૧) તથા તેથી સગર્ભા પત્નિ પાયલ ચેતનભાઇ અમલીયા (ઉ.૧૯) પરમ દિવસે રાત્રીના એકાદ વાગ્યે વાડીએ ઝેરી દવા પી જતાંં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહિ સારવાર દરમિયાન પત્નિ પાયલનું મોત નિપજતાં દંપતિ ખંડિત થયું છે.

ચેતનના કહેવા મુજબ તેના લગ્ન એક વર્ષ પહેલા થયા છે અને પત્નિ પાયલના પેટમાં ત્રણ માસનો ગર્ભ હતોે. પોતે અને પત્નિ ત્રણ દિવસથી પત્નિના પિતા મહેન્દ્રભાઇ નાનકાભાઇ પરમાર જ્યાં કામ કરે છે એ ધ્રોલના માવપર ગામે રોકાવા ગયા હતાં. પરમ દિવસે ત્યાંથી પરત ખોડાપીપર આવવા બાબતે પત્નિએ ચડભડ કરી હતી. એ પછી બંને ખોડાપીપર આવ્યા હતાં અને ફરી ઝઘડો થતાં પોતે ઝેરી દવા પી ગયો હતો. પાછળથી પત્નિ પણ પી ગઇ હતી. જો કે પત્નિના પિતા સાથે પૈસાની લેતીદેતી મામલે પણ ચેતનને ચડભડ થયાની ચર્ચા હતી. સગર્ભા પાયલનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પડધરી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંતો પાસે કરાવવા તજવીજ કરી હતી.

(11:29 am IST)