Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મોરબીમાં ઉકરડા નાબુદી માટે પાલિકાને અલ્ટીમેટમઃ ઉપવાસ આંદોલનની ચીમકી

મોરબી,તા.૪:  મોરબીમાં ઉકરડા રાજ નાબુદ કરવા માટે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને પાલિકાને સતત રજૂઆત કરીને ઉકરડા નાબુદી માટે લડત ચલાવી રહ્યા છે. છતાં નીમ્ભર તંત્ર દ્વારા કાર્યવાહી ના કરાતા હવે પાલિકાને અલ્ટીમેટમ આપ્યું છે અને બાદમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પારીઆની આગેવાની હેઠળ આજે આપ દ્વારા ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબીના મુખ્યમાર્ગો અને પ્રાચીન ધરોહર પાસેના ઉકરડાઓ નાબુદી માટે તંત્રને રજૂઆત કરી હતી. મોટાભાગના ઉકરડાઓ સેનેટરી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડ્રોપ એન્ડ કલેકશન સેન્ટર છે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬નું પાલન કરવા અને ઉકરડા કરનારને દંડ કરવા રજૂઆત કરવા છતાં પાલિકા કચેરીએ કોઈ કાર્યવાહી કરી નથી જેથી આ અંગે આગામી તા. ૦૯ સુધીમાં શહેરના તમામ ઉકરડાઓ નાબુદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો તા. ૦૯-૦૭ થી આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન શરૂ કરશે અને ત્યારબાદની તમામ ઘટનાની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે.

(11:48 am IST)