Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કચ્છમાં સરકારી જમીન ખેડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ગરમાગરમી-૩૦ જણા સામે ફરિયાદ

લખપતના મોટી છેર ગામે સોઢા સમાજના બે જૂથો વચ્ચે ધાકધમકી સાથે ગરમાગરમી, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

(ભુજ) કચ્છમાં સરકારી જમીન ખેડવાના મુદ્દે સોઢા સમાજના જ બે જૂથો વચ્ચે ગરમાગરમી સાથે ઘર્ષણ થયું છે. લખપતના મોટી છેર ગામે સરકારી જમીન સાફસૂફી કરીને ખેડવાની પેરવી કરનાર એક જૂથને બીજા જૂથે ના પાડતા મામલો ગરમાયો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદમાં આજે બન્ને જૂથ વચ્ચે બોલાચાલી સાથે ઘર્ષણ થયા બાદ બન્ને હથિયારો સાથે એકબીજા સામે આવી ગયા હતા. આ બાબતે સવાઈસિંહ ભુરજી રાઠોડે સરકારી જમીન ખેડવાની પેરવી કરવા બદલ ભુરજી નગાજી રાઠોડ અને નવ જણા સામે ધાકધમકી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે પૃથ્વીસિંહ રાણાજી રાઠોડે ભુરજી નગાજી રાઠોડ સહિતના ૨૧ શખ્સો સામે જમીનના મુદ્દે જ ધાકધમકી અને જાનથી મારી નાખવા બદલની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બન્ને પક્ષે એક બીજા સામે હથિયારો અંગે આક્ષેપ કર્યો છે. ફરિયાદને પગલે દયાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યો, નખત્રાણાથી પોલીસ બંદોબસ્ત મોટી છેર ગામે મુકાયો છે.

(2:28 pm IST)