Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે વરસાદ યથાવત...થાન પંથકમાં મોડી રાત્રે ઝાપટા...

વઢવાણ, તા.૪: નિસર્ગ વાવાઝોડું જરૂર નબળું પડ્યું છે તે છતાં પણ હાલમાં તેની અસર સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણના પગલે ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ગરમીમાં પણ રાહતનો અહેસાસ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે ૧ થી ૪ જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પણ એલર્ટ બન્યા હતા અને પોતાના ખેતરમાં પડેલી ઉત્પાદિત ખેતપેદાશ સલામત સ્થળે ખસેડવા કામે લાગ્યા હતા ત્યારે બીજી તરફ જિલ્લામાં અચાનક બે જૂનથી વાતાવરણમાં પલટાના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર પણ શરૂ કરવામાં આવ્યું હતું..

મૂળી થાન પંથકમાં બે દિવસથી વરસાદી ઝાપટા પડ્યા છે, ચોટીલાના અમુક ગામોમાં પણ વરસાદ નોંધાવા પામ્યો હતો.

થાનમાં મોડી રાત્રે અડધો ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકયો છે બીજી તરફ જિલ્લાના ખેડૂતો પોતાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે અને આગોતરું વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં ખાસ રોહિણી નક્ષત્રમાં વરસાદ નું આગમન થતાં જિલ્લાના ખેડૂતોમાં એક પ્રકારે આનંદનો માહોલ સર્જાયો છે અને આ એક પ્રકારે શુભ નક્ષત્ર માં વરસાદ નું આગમન થતાં વર્ષ ખેડૂતો માટે સારું જવાના પણ સ્પષ્ટ રીતે એંધાણ વર્તાઇ રહ્યા છે.

ગઇકાલે ભારે પવન થતાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને રણ પ્રદેશમાં આવેલા વીજળીના થાંભલાઓ ને ભારે નુકસાન થયું છે ત્યારે બીજી તરફ લીંબડીમાં ભારે પવનના કારણે શહેરી વિસ્તારોમાં પણ વીજળીના થાંભલાઓ પડી જવા પામ્યા હતા ત્યારે અનેક કલાકો સુધી લાઈટો પણ બંધ રહેવા પામી હતી.(

(12:49 pm IST)