Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગરમાં કોઈ કન્ટેન્મેન્ટ ઝોન નહીં :કલેક્ટર રવિશંકર

ત્રણ પોઝિટિવ કેસ અમદાવાદથી આવતા લોકોને ધ્રોલ જ ચેક કરી સમરસ હોસ્ટેલમાં લઇ જવાયા હતા : લોકો ગભરાઈ નહિ,:જામનગરમાં કોઈ વિસ્તાર કવોરેન્ટાઈન નહીં

જામનગર:જામનગર ખાતે ૩ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ત્યારે કલેકટર રવિશંકરે જણાવ્યું છે કે, જામનગરના લોકો ગભરાય નહીં જામનગરમાં આજે ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે, તેઓ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ઈકો ગાડીમાં જામનગર આવી રહ્યા હતા.જેમાં ગઇકાલે ૩ તારીખના રોજ સવારે તેમને ધ્રોલ ખાતે ચેક કરાતા, ત્યાંથી તેમને સીધા સમરસ હોસ્ટેલમાં લઇ જવાયા હતા, આ પરિવારને જામનગરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને કોઈ પણ વ્યક્તિ તેમના સંપર્કમાં આવેલ નથી. તેમને સમરસ હોસ્ટેલમાં જ રાખવામાં આવ્યા હતા જ્યાં તેમના સેમ્પલ લેવાતા આજે તેઓના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પરંતુ ત્રણે પોઝિટિવ કેસ જામનગર જિલ્લામાં પ્રવેશ્યા નથી તેથી તેમનો પ્રાઇમરી કોન્ટેક્ટ અને કવોરેન્ટાઈન તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તાર અમદાવાદમાં જ બનશે.

 જામનગર જિલ્લામાં કોઈ કન્ટેન્મેન્ટ ઝોન નથી તેમ જ કવોરેન્ટાઈન વિસ્તાર પણ બનાવાયો નથી. જામનગરના લોકો ગભરાઇ નહીં તેમ કહી કલેકટરએ ઉમેર્યું હતું કે, આરોગ્યની અને પોલીસની ટીમ દ્વારા જામનગરના લોકોને સુરક્ષિત રાખવા સતત ખડે પગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. કદાચ લોકોને થોડી  તકલીફ પડતી હશે, થોડી કડકાઈ પણ વર્તાતી હશે જે બદલ દરગુજર કરશો પરંતુ જામનગરમાં એક પણ પોઝિટિવ કેસ  ન આવે અને લોકો સુરક્ષિત રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

 આજરોજ જામનગરમાં ૨૨૦૦ ઉદ્યોગો ચાલુ થયા છે જેમાં આશરે ૨૫,૦૦૦ જેટલા શ્રમિકોએ પણ આજથી કામ  શરૂ કર્યું છે, ત્યારે કામ શરૂ થતા શ્રમિકો વતન જવાની ઉતાવળ ન કરે. આમ છતાં તંત્ર પાસે ૩૦૦૦ જેટલા લોકોની ઉત્તર પ્રદેશ અને બિહાર પોતાના વતન જવા માટેની અરજીઓ આવી છે, જે લોકોએ વતન જવા માટે અરજી કરેલ છે તેઓની અરજીમાંથી તેમના એડ્રેસ અને નંબરની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પરપ્રાંતીઓ માટે તંત્ર દ્વારા વતન જવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આ દરમિયાનમાં પરપ્રાંતીઓ ઉશ્કેરાટ ન અનુભવે તંત્ર દ્વારા લોકોને પોતાના વતન મોકલવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે આથી આ દરમિયાનમાં લોકો ઘરમાં રહી સુરક્ષિત રહે.
જામનગરમાંથી હાલ સુધીમાં મધ્યપ્રદેશ જવા માટે ૨૮૪ બસો પરપ્રાંતીઓને તેમના રાજ્યમાં પહોંચાડવા માટે ઉપડી ચૂકી છે જેઓ શાંતિપૂર્ણ રીતે ત્યાં પહોંચી પણ ગયા છે. તદુપરાંત લિસ્ટ તૈયાર થતા લોકોને પોતાના વતન જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. તો લોકો શાંતિપૂર્ણ રીતે ઘરમાં રહી હાલ થોડો સમય માત્ર રાહ જુએ તેમ  કલેકટરશ્રીએ અનુરોધ  કર્યો હતો.

(10:22 pm IST)