Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વાંકાનેરનું ઇન્ડીયન ગૃપ જરૂરિયાતમંદ લોકોની બે ટાઇમ જઠરાગ્નિ ઠારે છે

ગરીબોને ભોજન ઉપરાંત ગૌમાતાને ઘાસનો અવિરત સેવાયજ્ઞ

વાંકાનેર તા.૪ : વાંકાનેર શહેર અને ઉદ્યોગ ઝોન એવા ઢુવા સહિતના વિસ્તારમાં જરૂરિયાત મંદ ગરીબ મજૂર અને પરપ્રાંતીય લોકોને બપોરે અને રાત્રે મળી બે હજાર લોકોને દરરોજ ગરમા ગરમ ભોજન આપી વાંકાનેરનું ઇન્ડીયન ગૃપ ખરા અર્થમાં માનવસેવા ઉપરાંત ગૌમાતાને લીલા ઘાસચારો નાખી અબોલ જીવની સેવા કરી સેવાનું ભાથુ બાંધી રહ્યા છે અને પ્રેરણારૂપ કાર્ય પણ કરી રહ્યા છે.

વાંકાનેર ઇન્ડીયન ગૃપના અગ્રણી સદામભાઇએ જણાવેલ કે કોરોના કહેરને પગલે લોકડાઉન થતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. રોજ કમાઇ રોજ ખાતા એવા પરિવાર અને લોકડાઉનને પગલે ફસાયેલા પરપ્રાંતીય મજૂરો રસ્તે આટા મારતા ભુખ્યાઓને બે ટાઇમના ભોજનના સાસા જોવા મળતા ઇન્ડીયન ગૃપના ઇરફાનભાઇ, વિશાલભાઇ, આબીદભાઇ, રજાકભાઇ સહિતના લોકોએ નકકી કરી બપોરે અને રાત્રે બંને ટાઇમ જૂદા જૂદા વિસ્તારમાં વાહનો મારફતે આશરે બે હજારથી વધુ લોકો માટેની તૈયાર ગરમ ભોજન લઇ જરૂરિયાતમંદ લોકોને ખવડાવી તેમની જઠરાગ્નિ ઠારવાનુ કાર્ય લોકડાઉનના દિવસથી શરૂ કર્યુ છે જે આજે પણ અવિરતપણે ચાલી રહ્યુ છે.

આ ઉપરાંત રસ્તે રઝડતી ગૌમાતાને લીલો ઘાસચારો પણ આપવામાં આવી રહેલ છે. જે ખરેખર પ્રેરણારૂપ કાર્યકરતા આ ગૃપ ધન્યવાદને પાત્ર છે.

(12:00 pm IST)