Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વાંકાનેરમાં હસમુખ દેવીપૂજકની ક્રુર હત્યાઃ મચ્છુ નદીમાંથી લાશ મળી

મૃતક હસમુખે ૧૦ વર્ષ પૂર્વે તેની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા આપી દિધા'તા અને હાલમાં છૂટક મજૂરી કરી એકલવાયુ જીવન જીવતો'તોઃ હત્યારાઓ અને કારણ અંગે તપાસનો ધમધમાટ : મૃતકની ઓળખ ન થાય તે માટે હત્યારાઓએ મ્હો ઉપર બોથર્ડ પદાર્થ-પથ્થરના ઘા ઝીંકયા

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર હસમુખનો મૃતદેહ અને ઘટના સ્થળે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : નિલેશ ચંદારાણા -મહમદ રાઠોડ વાંકાનેર)

વાંકાનેર તા. ૪ :.. વાંકાનેરમાં મચ્છુ નદીના પટ્ટમાંથી દેવીપૂર્જક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. હત્યારાઓએ મૃતકની ઓળખ ન થાય તે માટે મ્હો ઉપર બોથર્ડ પદાર્થના ઘા તથા પથ્થરો ઝીંકી ક્રુર હત્યા કરી હતી. પોલીસે હત્યારાઓ અને કારણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાંકાનેર મધ્યેથી પસાર થતી મચ્છુ નદીના પટ્ટમાંથી આજે સવારે હત્યા કરેલ હાલતમાં અને અર્ધ નગ્ન તથા ઓળખ છૂપાવવા મોઢા ઉપર બોર્થ પદાર્થ મારી વિકૃત થયેલા મોઢા વાળી લાશ પડી હોવાની શહેર પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી ગયેલ અને હાથમાં  ત્રોફાવેલા નામને આધારે મૃતક યુવકની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળેલ હતી.

મૃતક મચ્છુ નદીના પુલ પછીના નવાપરા વિસ્તાર નજીક રહેતો દેવીપૂજક જ્ઞાતિનો હસમુખ ધનજીભાઇ માંડલીયા ઉ.૩પ નું હોવાનું જાહેર થયેલ. નદીના પટ્ટમાં પાણા ઉપર રહેલી લાશનો કબજો સંભાળી તેને પી. એમ. માટે વાંકાનેર સરકારી હોસ્પીટલે ખસેડેલ વિકૃત થઇ ગયેલા મોઢા અને અહી પી. એમ. શકય નહી જણાતા મૃતકના દેહને પી. એમ. અર્થે રાજકોટ મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવેલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવક ચાર ભાઇમાં તે બીજા નંબરનો હતો અને એકલવાયુ અને જીવન જીવતો અને નોખો રહેતો તેમજ ચોરી અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું તથા છેલ્લા પંદર દિવસથી ભમરીયા કુવા પાછળ પડીયો-પાથર્યા રહેતો. અને જયાં ત્યાં સુઇ રહેતો મૃતક યુવકે ૧૦ વર્ષ પહેલા તેની જ જ્ઞાતિની કાજલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ જે બે વર્ષ લગ્ન જીવન વીતાવી છૂટાછેડા આપી દીધા હતાં.

હાલમાં કયાક છુટક મજુરી મળે તો કરી લેતો અને રખડતુ અને એકલવાયુ જીવન જીવતો હતો વાંકાનેર શહેર પોલીસે મૃતક યુવાનના મોટાભાઇ નિતીનભાઇ ધનજીભાઇ માંડલીયા દેવીપુજકની ફરીયાદ લઇ અજાણ્યા હત્યારા સામે ખુનની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

વાંકાનેરની મચ્છુ નદીના પટમાં કાકરા ઉપર પાથરેલા ગોદડા ઉપર મોઢુ છુંદાયેલ અર્ધનગ્ન હાલમાં લાશ પડી હોવાની માહીતી મળતાજ મોરબી વિભાગના ડી.વાય.એસ.પી. રાધીકા ભરાયા, એલ. સી. બી. પી. આઇ. વી.બી.જાડેજા, વાંકાનેર શહેર પોલીસના પી. આઇ.એચ.એન.રાઠોડ, પી.એસ.આઇ. પી.સી.મોલીયા સહીતના અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર નિરીક્ષણ કરી હત્યારાને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી દીશામાં તપાસ હાથ ધરી છે. અને શકમંદોને પુછપરછ સહીતની પ્રક્રિયા ચાલી છે

(11:38 am IST)