Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સતત ત્રણ વર્ષથી રાજય સરકારનો કાયાકલ્‍પ એવોર્ડ મેળવતી જામનગરની ગર્વમેન્‍ટ ડેન્‍ટલ કોલેજ અને હોસ્‍પિટલ

જામનગર, તા.૪ :  સ્‍વચ્‍છ અભિયાન જાહેર સ્‍થળોએ સ્‍વચ્‍છતાને ઉતેજન આપે છે. આરોગ્‍ય સંસ્‍થાઓમાં સ્‍વચ્‍છતા અને આરોગ્‍યપ્રદ વાતાવરણ ચેપની રોકથામ કરવા તથા દર્દીઓ અને મુલાકાતીઓમાં હકારાત્‍મક અનુભવ દ્વારા સ્‍વચ્‍છ પર્યાવરણ સંબંધીત વર્તનને પ્રોત્‍સાહન આપવા હેતુ ખૂબ મહત્‍વના છે. આ દિશામાં થતા પ્રયત્‍નોને વેગ આપવાના આશયથી આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પહેલ શરૂ કરેલ છે, જેના અંતર્ગત જે જાહેર સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓ સ્‍વચ્‍છતા, આરોગ્‍યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણની ઉચ્‍ચ કક્ષા હાંસલ કરે તેમને એવોર્ડ(પારિતોષિક) એનાયત કરવામાં આવે છે.

રાજયની જાહેર સ્‍વાસ્‍થ્‍યની સુવિધાઓને આ એવોર્ડ મેળવવા માટે સરકાર દ્વારા નક્કી કરેલ મૂલ્‍યાંકનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છો મૂલ્‍યાંકનના અંતે  દરેક રાજયમાં સૌથી વધારે ગુણ મેળવનારી બે જિલ્લા હોસ્‍પિટલોને પ્રોત્‍સાહિત કરવા માટે પ્રશંસાનું પ્રમાણપત્ર અને રોકડ ઈનામ આપવામાં આવે છે.

આ સ્‍વાસ્‍થ્‍ય સંસ્‍થા સ્‍વચ્‍છતા, આરોગ્‍યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણ કરવાની રીતોને ઉતેજન મળે તેના માટેની ઉતમ કામગીરી કરી રહી છે, જેની ફળશ્રુતી રૂપે છેલ્લા ત્રણ વર્ષથી ગર્વમેન્‍ટ ડેન્‍ટલ કોલેજ અને હોસ્‍પિટલ-જામનગર, દાંત તથા મોઢાના રોગોને લગતી સારવારની સુવિધાઓના કડક માપદંડને જાળવી રાખી કાયાકલ્‍પ એવોર્ડ મેળવવા માટે જરૂરી મૂલ્‍યાંકનની પ્રક્રીયામાંથી પસાર થઈ રાજય કક્ષાએ સૌથી વધારે ગુણ મેળવી પ્રથમ ક્રમાંક મેળવી રાજય સરકાર તરફથી પ્રમાણપત્ર, એવોર્ડ અને રોકડ ઈનામ પુરસ્‍કાર રૂપે મેળવી રહી છે. પાછલા બે વર્ષની જેમ આ વર્ષે (૨૦૧૭-૧૮) પણ સમગ્ર રાજયમાં પ્રથમ આવી કાયાકલ્‍પ એવોર્ડ મેળવેલ છે, જે સમગ્ર જામનગરની જનતાને ગર્વ લેવા જેવી વાત છો જામનગર જીલ્લાના કલેકટર શ્રી રવિ શંકર દ્વારા કાયાકલ્‍પ એવોર્ડનું વિતરણ ગર્વમેન્‍ટ ડેન્‍ટલ કોલેજ અને હોસ્‍પિટલ-જામનગર ખાતે કરવામાં આવેલ હતું. આ તકે સંસ્‍થાના વડા ડો.જયેશ પરીખ તેમજ સ્‍ટેટ ક્‍વોલિટી ઓફિસર ડો.નયના પટેલે સમગ્ર સ્‍ટાફનો આભાર વ્‍યકત કર્યો હતો.

 

(4:32 pm IST)