Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સુરજે બાળકીને રાત્રે ઉઠાવીઃ પીંખી નાખીઃ પતાવી દીધી

મોરબીની ૨II વર્ષની બાળકી પર દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનારો નરાધમ સુરજ ચૌહાણ ઝડપાયો બેલા ગામના કારખાનાની ઓરડીમાં પડોશમાં જ રહેતા સુરજે રાત્રીના બાળકીને ઉઠાવી હેવાનિયત આચરીઃ પીંખી નાખી પતાવી દીધી'તીઃ મહેન્‍દ્રનગર ચોકડી પાસે ભાગવાની પેરવી કરતો'તો ને મોરબી તાલુકાના પીએસઆઈ શકિતસિંહ ગોહિલની ટુકડીએ દબોચી લીધોઃ ચારેકોરથી વરસતો ફીટકર

તસ્‍વીરમાં જ્‍યાંથી બાળાની લાશ મળી હતી તે તળાવ અને ઘટના સ્‍થળે પોલીસ કાફલો નજરે પડે છે(તસ્‍વીરઃ પ્રવીણ વ્‍યાસ-મોરબી)

રાજકોટ, તા. ૪  :  મોરબી નજીક અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારવાના ખળભળાટ મચાવતા બનાવમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં  આરોપીને ઝડપી લીધો છે. બાળા પર દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર શખ્‍સ પડોશી જ નિકળતા તેના પર ચારેકોર ફીટકાર વરસી રહ્યો છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ મોરબીના બેલા ગામ પાસે આવેલ સિરામીક કારખાનાના મજુર કવાર્ટરમાં રહેતી અઢી વર્ષની બાળકી રાત્રે ગુમ થયા બાદ કારખાનાથી દૂર આવેલ તળાવમાંથી હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા  મોરબીના ડીવાયએસપી બી.ડી. જોશી તથા મોરબી તાલુકાના પીએસઆઈ ગોહીલ સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. મૃતક બાળકી નિર્વસ્‍ત્ર હાલતમાં મળતા અને તેના હોઠ અને ગુપ્ત ભાગે ઈજાના નિશાન જોવા મળતા આ બાળકી પર દુષ્‍કર્મ ગુજારી તેને મોતને ઘાટ ઉતારી લાશ તળાવમાં ફેંકી દેવાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યુ હતું.

રાજ્‍ય અને દેશમાં છેલ્લા ઘણા સમયથી બાળકીઓ પર અમાનુષીય અત્‍યાચારની ઘટનાઓ વધી રહી છે ત્‍યારે મોરબી પંથકમાં બાળા પર દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બનતા મોરબી પંથકમાં જનાક્રોશ ફેલાયો છે.

મોડી રાત્રે તાલુકા પોલીસે આ બનાવમાં અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણ-હત્‍યા-દુષ્‍કર્મ તથા પોસ્‍કો એકટની કલમ હેઠળ ગુન્‍હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બાળા પર દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં આરોપીને તાકીદે ઝડપી લેવા મોરબી એસ.પી. જયપાલસિંહ રાઠોર તથા ડીવાયએસપી બી.ડી. જોશીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટુકડીઓ કામે લાગી હતી.

દરમિયાન મોરબી તાલુકા પી.એસ.આઈ. શકિતસિંહ ગોહિલ તથા સ્‍ટાફની તપાસમાં માસુમ બાળા પર જઘન્‍ય કૃત્‍ય ગુજારનાર શખ્‍સ તે જ કારખાનાની ઓરડીમાં રહેતો સુરજ ગોરેલાલ ચૌહાણ (રહે. મુળ બિહાર, હાલ બેલા ગામના કારખાનુ) હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. આરોપી સુરજ ચૌહાણ મહેન્‍દ્રનગર ચોકડી પાસે હોવાનુ અને ત્‍યાંથી ભાગવાની પેરવીમાં હોવાની બાતમી મળતા પી.એસ.આઈ. શકિતસિંહ ગોહિલ તથા સ્‍ટાફે તૂર્ત જ દોડી જઈ નરાધમ સુરજ ચૌહાણને ઝડપી લીધો હતો. પોલીસે તેની રાત્રે જ આકરી સરભરા કરી હતી.

પકડાયેલ આરોપી સુરજ ચૌહાણને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાયેલ છે. બીજી બાજુ ભોગ બનનાર બાળાની લાશને ફોરેન્‍સીક પી.એમ. માટે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે. પકડાયેલ આરોપી સામે સર્વત્ર ફીટકાર વરસી રહ્યો છે.

અઢી વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર પી.એસ.આઈ. ગોહિલ તથા સ્‍ટાફને ઉચ્‍ચ અધિકારીઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:25 pm IST)