Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

લગ્નના ચાર જ મહિનામાં દંપતિ ખંડિત થયું...અગાસીએથી પટકાતાં નવોઢાનું મોત

થાનગઢનો બનાવઃ રૂપા સારલા (ઉ.૨૩) મકાનની પાળી પર પાણી છાંટતી વખતે પડી ગઇ'તીઃ રાજકોટમાં સારવાર દરમિયાન મોતઃ કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: જિંદગીની સફરનો અંત કયારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. કંઇક આવુ જ ચોટીલાના થાનગઢ ગામે બન્યું છે. ચાર મહિના પહેલા જ પરણેલી કોળી યુવતિનું અગાસીએથી પટકાતાં મોત નિપજતાં નવદંપતિ ખંડિત થયું છે. અનેક સોણલાઓ જોઇને સંસાર જીવનની શરૂઆત કરનાર યુવાનના અરમાનો ચુર-ચુર થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ થાનગઢ રહેતી રૂપા વિપુલ સારલા (ઉ.૨૩) નામની કોળી નવોઢા ૩૦/૪ના બપોરે બીજા માળે નવા બનાવાયેલા મકાનની પાળી પર પાણી છંટકાવ કરી રહી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી થાન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રૂપાના માવતર વાંકાનેરના પ્રાચી ગામે રહે છે. તેના પિતાનું નામ પ્રભુભાઇ છે. તેણી બે બહેન અને એક ભાઇમાં સોૈથી નાની હતી. ચાર મહિના પહેલા જ તેના લગ્ન થાનના વિપુલ ચંદુભાઇ સારલા સાથે થયા હતાં. વિપુલ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ચાર જ માસના લગ્ન જીવનમાં નવદંપતિ ખંડિત થતાં કોળી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:57 am IST)