Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

જુનાગઢ જીલ્લામાં પાણી પુરવઠા બોર્ડની ૧૧૦૦ કિમી પાઇપલાઇનમાં ૧૯૧૬ એરવાલ્વનું નિરીક્ષણ કરી મરામત થશે

જૂનાગઢ તા.૦૪: જળ એ જીવન છે. પાણી એ પરમકૃપાળુ પરમાત્માએ માનવજાતને આપેલ મહામૂલો પ્રસાદ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સુજલામ-સુફલામ જળ અભિયાન દ્વારા રાજયમાં જળ સંચય માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.૦૧-૦૫-૧૮ થી તા.૩૧-૦૫-૧૮ દરમ્યાન ચાલનાર આ અભિયાનમાં જુનાગઢ જીલ્લામાં અન્ય વિભાગોની સાથે-સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ નોંધપાત્ર કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે. જીલ્લામાં પાણી પુરવઠા બોર્ડની નર્મદા/ઓઝત-૨/ભાદર આધારીત કુલ ૧૩ જુથ પાણી પુરવઠા યોજનામાં કુલ ૪૫૯ ગામો સમાવિષ્ટ થયેલ છે. જેની કુલ ૧૧૦૦ કીમી. પાઇપલાઇન નેટવર્કમાં કુલ ૧૯૧૬ જેટલા એરવાલ્વનું નિરીક્ષણ અને અને મરામત કરવાનું આયોજન હાથ ધરાયુ છે, જેમાં પાઇપલાઇન/વાલ્વમાં લીકેજથી થતા પાણીના બગાડ અટકાવવા સારૂ જરૂરી રીપેરીંગની કાર્યવાહી સહ જરૂરીયાતે વાલ્વ રીપ્લેસમેન્ટની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવેલ છે. આ સિવાય વાસ્મો દ્વારા ચોમાસા પહેલાના પ્રિ-મોન્શૂન કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના દરેક ગામમાં પીવાના પાણીના હયાત સોર્સનું પૃથ્થકરણ કરાવવામાં આવી રહેલ છે. જેની સાથે-સાથે સ્વચ્છતા અભિયાન, કલોરીનેશન, જળ સંગ્રહની જરૂરીયાત, પાણી બગાડ અટકાવવા જેવી બાબતોએ જન-જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે માટે લોકોને જરૂરી સમજણ આપવા સારૂ ગામે-ગામે પ્રચાર અને પ્રસાર માટે બેનર્સ, પોસ્ટર સહિતની વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃતિઓ શરૂ કરવામાં આવેલ છે. સરકારશ્રીના તાજેતરના પીવાના પાણી અંગેના મહત્વાકાંક્ષી ૨૪ હૃ ૭ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં કેશોદ તાલુકાનું સાંગરસોલા ગામ પસંદ થયેલ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગત વર્ષે સોર્સ રીર્ચાજીંગના હેતુસર આ ગામના તળાવમાં બોરબ્લાસ્ટીંગ પધ્ધતિથી ૬ બોરનું ૧ યુનિટ તેવા ૭ યુનિટ શારવામાં આવેલ છે. સદરહુ જળ સંગ્રહ અભિયાન અંતર્ગત ગામના તળાવમાંથી ઉપરોકત બોર ડીસ્ટર્બ ન થાય તે રીતે કાંપ કાઢવાનું તેમજ ગામના ચેકડેમને ઉંડો કરવાનું કામ સુચિત કરવામાં આવેલ છે. જે કામગીરીઓ થયે આ ગામ તેમજ આજુ-બાજુના ગામના હયાત કુવા અને બોર કાયમી ધોરણે રીર્ચાજ થઇ શકશે તેમજ આ ગામમાં ૨૪ હૃ ૭ યોજના સફળતાપૂર્વક અમલીકૃત થઇ શકશે, તેમ પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવેલ છે.

(11:42 am IST)